Thursday, February 27, 2014

બેરોમીટર વિષે જાણો

હવામાનની ચોકસાઈપૂર્વક આગાહી કરવા માટે ઉષ્ણતામાન, હવામાંનો ભેજ, પવનની ગતિ, હવાનું દબાણ વગેરે અનેક પરિબળોનું માપ લેવું પડે છે.     
તેમાં હવાનું દબાણ માપવા માટે બેરોમીટર નામનું સાધન વપરાય છે.
હવા ચારેતરફથી દબાણ કરતી હોય છે. પ્રવાહી તરલ હોય છે. તરલ એટલે વહી શકે તેવું. કોઈ પાત્રમાં ભરેલા પાણીમાં નળીનો એક છેડો ડૂબેલો રાખી બીજે છેડેથી હવા ખેંચી નળીમાં શૂન્યાવકાશ કરવામાં આવે તો પાત્રમાંનું પ્રવાહી હવાના દબાણના કારણે નળીમાં ચઢે છે. કૂવામાંથી પંપ દ્વારા પાણી આ સિધ્ધાંતથી જ ખેંચાય છે. આપણે સ્ટ્રો વડે ઠંડાં પીણાં પી શકીએ છીએ તેનું કારણ પણ હવાનું દબાણ છે.
બેરોમીટરની શોધ ચારસો વર્ષ પહેલાં ઈવાન્ગેલીસ્ટા ટોરીસેલી નામના વિજ્ઞાાનીએ કરેલી. તે ગેલીલિયોનો શિષ્ય હતો. ઈ.સ. ૧૬૪૩માં તેણે પાણીને બદલે વજનદાર પ્રવાહી પારો  ભરીને તેમાં નળી ગોઠવી હવાનું દબાણ માપતું સાદુ યંત્ર બનાવેલું. આજે પણ હવાનું દબાણ માપવા માટે બેરોમીટર વપરાય છે અને તેમાં પારાનો ઉપયોગ થાય છે. જોકે આધુનિક બેરોમીટરમાં ઈલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને હવાના દબાણના આંકડા સ્ક્રીન ઉપર જોઈ શકાય તેવી સુવિધા હોય છે.

રોબોટનો રસપ્રદ ઇતિહાસ

સામાન્ય રીતે ઘણાં બધા કામ કરી શકતા, હાલીચાલી શકતા અને બોલી શકતા માણસના આકારના મશીનને રોબોટ કહેવાય છે. પરંતુ કેટલાક ખાસ પ્રકારનાં કામ કરી આપતા વિવિધ આકારનાં યંત્રોને પણ રોબોટ જ કહેવાય છે. કોઇ કારખાનામાં બનતી નાની મોટી વસ્તુઓને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડી આપનાર માત્ર હાથ આકારના મશીનને પણ રોબોટ કહેવાય. જોકે તે અગાઉથી નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ પોતાની મેળે નક્કી કરેલું. કામ કરી શકતો હોય છે. આજે રોબોટિક્સ એ વિજ્ઞાાનનું અલગ ક્ષેત્ર બની ગયું છે અને આશ્ચર્યજનક કામો કરી આપે  તેવા રોબોટ બને છે. રોબોટનો ઇતિહાસ પણ રસ પડે તેવો છે.
અઢી હજાર વર્ષ પહેલા ગ્રીક એન્જિનિયર તેસીબસે પાણીના પ્રવાહ વડે આપમેળે ચાલતી ઘડિયાળ બનાવેલી.
વિજ્ઞાનની કલ્પનાકથાઓ લખનારા લેખકોએ જાતજાતના યંત્રોની કલ્પના કરી વાર્તાઓ અને નાટકો પણ લખેલા છે. ૧૯૨૧માં ઝેક લેખક કારેલ સેપેકે 'રોસમ્સ યુનિવર્સલ રોબોટ' નામનું નાટક લખેલું. તેમાં એક માણસ રોબોટ બનાવે છે અને તે રોબોટ તે માણસને જ મારી નાખે છે તેવી વાર્તા હતી. આ નાટક લોકપ્રિય થયેલું અને ત્યારથી રોબોટ શબ્દ પણ પ્રચલિત થયો.
૧૯૪૮માં બ્રિટનના વિલિયમ ગ્રે વોલ્ટરે ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને સર્કીટ વાળા એલ્મર અને એલ્સી નામના માણસના આકારના રોબોટ બનાવી રોબોટિક્સનો પાયો નાખ્યો. ૧૯૫૬માં જ્યોર્જ ડવીલ નામના વિજ્ઞાાનીએ માત્ર એક યાંત્રિક હાથ બનાવ્યો. આ હાથ અગાઉથી નક્કી કરેલા પ્રોગ્રામ દ્વારા અનેક કામ કરી આપતો.  ૧૯૬૩માં રાંચી આર્મ નામનો માત્ર હાથ આકારનો રોબોટ બન્યો. કોમ્પ્યુટર દ્વારા સંચાલિત આ હાથમાં છ સાંધા હતા અને અપંગ માણસને ઉપયોગી થતો. આ પાયાના રોબોટ બન્યા પછી આ ક્ષેત્રે ઘણાં સંશોધનો થયાં છે અને આજે માણસ જેવા જ હાવભાવ અને વર્તન કરતા રોબોટ બને છે.

SMS વિશે આ જાણો

મોબાઈલ ફોન દ્વારા એસએમએસ મોકલવા એ એક માન્ય સંદેશાવ્યવહાર પધ્ધતિ છે. મોબાઈલ ફોન રાખવાવાળા ૮૦ ટકા લોકો આ પધ્ધતિનો ઉપયોગ કરી ટૂંકા સંદેશાઓની આપલે કરે છે. એસએમએસ એટલે જ શોર્ટ મેસેજ સર્વિસ.
એસએમએસ સર્વિસ એ ગ્લોબલ મોબાઈલ કોમ્યુનિકેશને ૧૯૮૫માં નક્કી કરેલી નીતિ અનુસાર અમલમાં મૂકાયેલા જેમાં ૧૬૦ અક્ષરો મોકલવાની મર્યાદા છે.
એસએમએસની શોધ અને શરૃઆત ફ્રીડેમ હેલિબ્રાન્ડ અને બર્નાર્ડ ઘીલેબર્ટ નામના ટેકનિશિયનોએ કરેલી. વિશ્વનો પ્રથમ એસએમએસ ૧૯૯૨ના ડિસેમ્બરની ૩જી તારીખે નાતાલના અભિનંદન આપવા માટે બ્રિટનમાં થયેલો.

ઊર્જાનો સંચય કરતાં ફ્લાયવ્હિલ

વાહનો ચાલે ત્યારે તેના પૈડાં ફરે છે. પણ વિજ્ઞાાની તેને પૈડામાં ગતિ શક્તિ છે તેમ કહે છે. કોઈપણ ચક્ર જેમ કે ભમરડો, કુંભારનો ચાકડો કે હાથ વડે ફેરવાતી ચકરડીમાં આપણે બળ પૂરીએ ત્યારે તે શક્તિ ખતમ થાય ત્યાં સુધી ફર્યા કરે છે. વાહનોના વ્હીલને બ્રેક મારીએ ત્યારે તેની શક્તિ બ્રેકમાં આવી જાય છે અને બ્રેક ગરમ થાય છે. આમ ગતિશક્તિનું રૃપાંતર થઈને નાશ પામે છે. વિજ્ઞાાનીઓએ આ ગતિશક્તિને સાચવીને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તેવું સાધન બનાવ્યું છે. તેને ફ્લાય વ્હિલ કહે છે. ફ્લાય વ્હિલ સાદું ચક્ર છે પરંતુ ખૂબજ ભારે. ભારે ચક્રને ફેરવવા માટે વધુ શક્તિ જોઈએ તે જ રીતે ભારે વસ્તુ ફરતી હોય તેને અટકાવવા માટે પણ વધુ શક્તિ જોઈએ. રેલવેના લોખંડના ભારે પૈડાંને ફરતાં અટકાવવા વધુ શક્તિશાળી બ્રેક જોઈએ.
ફ્લાય વ્હિલ કાર્બન ફાઈબરના વજનદાર ચક્ર છે તેના પર સ્ટીલની રીંગ ચઢાવેલી હોય છે. ચક્ર ફરે ત્યારે તેની વધુમાં વધુ ગતિશક્તિ ચક્રના વજનદાર હિસ્સામાં વધુ હોય છે. હળવા સ્પોક સાથે જોડાયેલાં ભારે ધારવાળા વ્હિલ વધુ સમય સુધી ફર્યા કરે છે. ક્રેનથી વજન જેટલું દૂર તેટલી ગતિ વધુ. તમે ફૂદરડી ફરો ત્યારે હાથ પહોળા કરો તો સરળ પડે કેમકે શરીરનું વજન વધુ પરિઘમાં ફેલાય છે.
નાસાએ વિકસાવેલું ફ્લાયવ્હિલ કઈ રીતે ઉપયોગી થાય છે તે પણ જાણવા જેવું છે. વાહનના એંજિન અને પૈડાં વચ્ચે જોડવામાં  આવે છે. વાહનનું એંજિન પિસ્ટનના ધક્કાથી ચાલે છે. પિસ્ટન આઘોપાછો થાય તે પ્રમાણે તેની શક્તિમાં વધઘટ થયા કરે. એટલે જ વાહનના એંજિનને ઝટકા લાગે છે. એંજિનમાંની શક્તિ ફ્લાય વ્હિલમાં જાય તો ફ્લાય વ્હિલ આ શક્તિને નિરંતર રૃપે ગ્રહણ કરે છે. એટલે વાહન ઝાટકા વિના સરળતાથી ચાલે છે. બે ઝાટકા વચ્ચે વ્હીલમાં સંગ્રહાયેલી શક્તિ ઉપયોગી થાય છે. ફ્લાય વ્હિલ બ્રેકનું કામ પણ કરે છે પરંતુ તે વ્હિલમાંથી શક્તિ લેતું નથી. એંજિનની શક્તિને વ્હિલ તરફ જતી રોકે છે અને તેને સાચવી રાખે છે. ફ્લાય વ્હિલ એંજિન બંધ પડે તોય ભારે હોવાથી થોડીવાર ફરતું રહે છે. પરિણામે એટલે ક્યારેક થોડી મિનિટો માટે પૈડાંને પણ ફરતાં રાખી શકે છે. તમે સાયકલને ઝડપથી ગતિ આપ્યા બાદ થોડી પેડલ ન મારો તો પણ ગતિમાં રહી શકે છે. તે રીતે ફ્લાય વ્હિલ વજનદાર હોવાથી વધુ સમય ગતિમાં રહી શકે છે.

મેરા ભારત મહાન

આજનું વિજ્ઞાન મોટેભાગે ગણિતના સિધ્ધાંતો પર આધારિત છે. ગણિત વિના વિજ્ઞાાન અધૂરું છે. આજે  વિશ્વભરના વિજ્ઞાાનીઓ જે ગણિતનો ઉપયોગ કરે છે તેના મૂળ પ્રાચીન ભારતમાં છે.
ભારતમાં પાંચમી સદીમાં થઈ ગયેલા ઋષિ આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી. તેમના આર્યભટ્ટિયમ સિધ્ધાંતો રજુ કરેલા. પાઈનું સાચું મૂલ્ય પણ આર્યભટ્ટે સૂચવેલું.
ભાસ્કારાચાર્ય પણ ભારતમાં થઈ ગયેલા ગણિતશાસ્ત્રી હતા. તેમના સિધ્ધાંત શિરોમણી ગ્રંથમાં ગણિત અને ખગોળ શાસ્ત્રના ઘણા સિધ્ધાંતો છે જેનો આજે પણ ઉપયોગ થાય છે. તેઓ બીજગણિત, ભૂમિતિ અને અંકગણિતના જ્ઞાાતા હતા. પૃથ્વીના ધ્રુવ પ્રદેશોમાં ૬ મહિનાના રાતદિવસ હોય છે. તેવું તેમણે પ્રથમ વાર કહેલું. પૃથ્વીના પરિઘ વિશેની ભાસ્કરાચાર્યની કલ્પના આજના અધુનિક ખગોળશાસ્ત્રની તદ્દન નજીક હતી. પૃથ્વીના આકર્ષણથી વસ્તુઓ જમીન પર પડે છે અને એ જ આકર્ષણ શક્તિથી ચંદ્ર અને નક્ષત્રો આકાશમાં ટકી રહ્યા છે તેવું તેમણે ૧૧મી સદીમાં કહેલું.
દશાંશ પધ્ધતિની શોધ ભારતમાં થયેલી, પ્રાચીન ભારતના ઋષિ બ્રહ્મગુપ્તે રચેલા બ્રહ્મ સ્પૂટ સિધ્ધાંતમાં વર્ણવેલી દશાંશ પધ્ધતિ આરબ દેશોમાં ગઈ અને ત્યાંથી પશ્ચિમી દેશોએ અપનાવી. તે અગાઉ પશ્ચિમના દેશોમાં રોમન આંકડા  ઉપયોગમાં લેવાતા.

ગ્રીનહાઉસ

પૃથ્વી પરના સજીવો અને વનસ્પતિના વિકાસ માટે હૂંફાળું વાતાવરણ જોઈએ. ઠંડા પ્રદેશોમાં હૂંફ જાળવી રાખવા કાચની દીવાલોવાળા મોટા ઓરડા બનાવી તેમાં પાક વાવવાની પધ્ધતિ અપનાવાય છે. કાચ દ્વારા સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે પરંતુ તેની ગરમી બહાર વહી જાય નહીં તેવો હેતુ હોય છે. આ કાચઘરને ગ્રીનહાઉસ કહે છે.
પૃથ્વીની આસપાસ  કેટલાક વાયુઓનું પડ પણ કાચ જેવું કામ કરે છે. કાર્બન ડાયોક્સાઈડ, ઓઝોન, મિથેન અને ક્લોરો ફ્લોરો કાર્બન જેવા વાયુઓ હવાથી હળવા હોવાના કારણે આકાશમાં ચોક્કસ ઊંચાઈએ રહી એક આવરણ બનાવે છે. આ આવરણ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી આવવા દે છે પરંતુ સૂર્ય પ્રકાશની ગરમીને બહાર જવા દેતું નથી. આ વાયુઓ ન હોય તો પૃથ્વી થીજી જાય. પૃથ્વી પર ગરમી રહે જ નહીં. આ અસરને ગ્રીન હાઉસ ઈફેક્ટ કહે છે.
એક બીજી વાત પણ છે. આ વાયુઓ વધી જાય તો શું થાય? પૃથ્વી ઉપર વધુ પડતી ગરમી એક્ઠી થઈ જાય અને નુકશાન થાય. આ બધા ગ્રીનહાઉસ ગેસ છે તેનું યોગ્ય પ્રમાણ જળવાય તો જ તેને લાભ મળે. પૃથ્વી પર ઉદ્યોગો અને વાહન વ્યવહારના ધૂમાડાથી આ વાયુઓને પ્રમાણ વધી રહ્યું છે એ પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે.

પેટ્રોલના વિકલ્પ રૂપે બળતણો

પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછું પ્રદુષણ કરે તેવા ઇંધણો પણ શોધાયાં છે. એલ.પી.જી. અને સીએનજી જાણીતા છે. એલપીજી એટલે લીકવીફાઇડ પેટ્રોલિયમ ગેસમાં પ્રોટીન અને બુટેન વાયુ હોય છે. નાના વાહનોમાં એલપીજી (રાંધણગેસ)નો ઉપયોગ પણ થઇ શકે છે. બીજી વધુ જાણીતું બળતણ સીએનજી છે. સીએનજીમાં મિથેન વાયુ વધુ હોય છે. સીએનજી પર્યાવરણલક્ષી ઇંધણ છે અને તેનો ઉપયોગ થાય છે.
ઓછંુ પ્રદૂષણ પેદા કરતું બીજંુ બળતણ ઇથાનોલ છે. પરંતુ એકલા ઇથાનોલથી વાહનો ચાલતાં નથી. કેટલાક દેશોમાં પેટ્રોલમાં ઇથાનોલ ભેળવીને વાહનોમાં પૂરાય છે. ઇથાનોલ શેરડી, મકાઇ કે શક્કરિયા જેવા કંદમૂળમાંથી બને છે. તેનું બીજું નામ ઇથાઇલ આલ્કોહોલ છે. ઇથાઇલ પેટ્રોલ કરતા મોંઘંુ છે.
રેસિંગ કારમાં મિથાનોલ કે મિથાઇલ આલ્કોહોલ વપરાય છે. મિથાનોલ કુદરતી ગેસ, લાકડા કે કોલસામાંથી બને છે. મિથાનોલ પેટ્રોલ કરતા ઓછું પ્રદૂષણ પેદા કરે છે. પરંતુ ઝેરી છે અને અત્યંત જ્વલનશીલ છે. તેની એવરેજ ઓછી હોવાથી વાહનમાં મોટી ટાંકી બેસાડવી પડે છે.
બાયોડીઝલ પર્યાવરણલક્ષી ઈંધણ છે. ડિઝલની શોધ કરનાર  વિજ્ઞાાની રૃડોલ્ફ ડીઝલે તેનું પહેલું એન્જિન વનસ્પતિ તેલથી ચલાવેલું. પરંતુ પેટ્રોલિયમ ડીઝલ મળતું થયા બાદ ડીઝલનો ઉપયોગ વધ્યો. ઘણા એન્જિન સૂર્યમુખી, સોયાબીન કે કપાસીયાના તેલથી ચાલી શકે  છે. બાયોડીઝલની સૌથી વધુ પેદાશ રતનજોત નામની વનસ્પતિ છે. આ તેલ ઉત્તમ બાયોડીઝલ છે.

રાંધણ ગેસનો રસપ્રદ ઈતિહાસ

આજે રાંધણ ગેસ માટે એલપીજી એટલે લીક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ   વપરાય છે. ગેસ પેદા કરી નળી દ્વારા બીજે છેડે તેને સળગાવી પ્રકાશ અને ગરમી મેળવવાનો ઈતિહાસ બહુ જૂનો અને રસપ્રદ છે.
વાયુઓ અંગે થયેલા ૧૮મી સદીના સંશોધનોને આધારે ૨૦મી સદીની શરૃઆતમાં ઘણા વિજ્ઞાાનીઓએ કૃત્રિમ ગેસ પેદા કરવાની પધ્ધતિઓ વિકસાવી. કોલસા, લાકડા અને ઓઈલને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણની ભઠ્ઠીમાં સળગાવી ગેસ ઉત્પન્ન કરાતો. આ પ્રકારના ગેસ જ્વલનશીલ હતા અને નળીને બીજે છેડે સળગાવી શકાતા. ફ્રાન્સના ફિલિપ લેબોન અને ઈંગ્લેન્ડના વિલિયમ મર્ડોકે આ પધ્ધતિથી ગેસના ચૂલા બનાવવાના અખતરા કર્યા. ઈ.સ. ૧૮૧૨માં આ પ્રયોગે સફળ થયા. અને રાંધણગેસનો ઉદ્યોગ વિકાસ પામ્યો. અમેરિકા અને યુરોપમાં ગેસ કંપનીઓ સ્થપાઈ. આ બધી કંપનીઓ દ્વારા આ ગેસ પાઈપલાઈન વડે લંડનની શેરીઓમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેલી. ૧૯૫૦ની આસપાસ નેપ્થા, વ્હાઈટ ગેસ, પેરાફીન વિગેરે જ્વલનશીલ વાયુઓની ટાંકીઓવાળા ગેસ સ્ટવ અસ્તિત્વમાં આવ્યા. આ ગેસ સ્ટવમાં ગેસની ટાંકી સાથે સીધાં જ બર્નર જોડાતાં. ગેસ તરીકે કોલસા કે અન્ય જ્વલનશીલ પદાર્થોમાંથી બનેલો ગેસ વપરાતો.
ઈ.સ. ૧૮૨૬માં જેમ્સ શાર્પ નામના વિજ્ઞાાનીએ ગેસનો સફળ ચૂલો  બનાવ્યો પરંતુ ગેસને દૂર સુધી લઈ જવાની મુશ્કેલીઓને કારણે તે સફળ થયો નહીં. ઈ.સ. ૧૮૮૫માં રોબર્ટ બન્સેન નામના વિજ્ઞાાનીએ બન્સેન બર્નર શોધ્યું. જેમાં હવા અને ગેસનું મિશ્રણ થવાની સગવડતા હતી. આ બર્નરને કારણે પેટ્રોલિયમ ગેસનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ થવાની સંભાવના વધી. બર્નરમાં સુધારા વધારા થયા. પછી અનેક પ્રકારના ગેસના ચૂલા અસ્તિત્વમાં આવ્યા.

પાણી વિશે આ પણ જાણો

* પૃથ્વીની ૭૦ ટકા સપાટી પર પાણી છે છતાંય સમગ્ર પૃથ્વી ઔપરના પાણીનો જથ્થો પૃથ્વીના કુલ દળના ૦.૦૨૫ ટકા જ થાય છે.

* કોઇ પણ ક્ષાર વિનાનું સંપૂર્ણ શુધ્ધ પાણી પી શકાતું નથી. આ પાણી જીભ ઉપરથી ક્ષાર અને ખનિજોને શોષી લે છે અને ગળું સુકાય છે. પીવા માટેના પાણીમાં ક્ષાર જરૃરી છે.

* આપણા ઘણા ખોરાકમાં પુષ્કળ પાણી હોય છે. જેમ કે દૂધમાં ૯૦ ટકા, કાકડીમાં ૯૫ ટકા, ટામેટામાં ૯૫ ટકા અને બટાટામાં ૭૫ ટકા પાણી હોય છે.

* પૃથ્વીના સમુદ્રોમાંથી દર કલાકે ૫૦ ઘન કિલોમીટર પાણીનું બાષ્પીભવન થઇ હવામાં વરાળ સ્વરૃપે ભળે છે.

* એક એકરમાં આવેલા લીલાં વૃક્ષોના પાનમાંથી પાણીની વરાળ બની દરરોજ એક સામાન્ય સ્વીમિંગ પુલ ભરાય એટલું પાણી વાતાવરણમાં ફેલાવે છે.

* માઇક્રોવેવમાં ખોરાક તેમાં રહેલા પાણીને કારણે જ રંધાય છે. તેમાં મૂકેલા બટેટામાં રહેલા પાણીના અણુઓ એક સેકન્ડમાં અબજો વખત ઘૂમે  છે એટલે જ તે ગરમ થાય છે.

હેલોજન લેમ્પ વિષે જાણો

તમે પાર્ટીપ્લોટમાં યોજાતા સંમારંભો કે મેળાઓમાં ચારે તરફ તીવ્ર પ્રકાશ ફેંકતા હેલોજન લેમ્પ જોયા હશે. આ લેમ્પ બીજા બલ્બ અને ટયૂબ લાઈટ કરતાં વધુ તીવ્ર અને દૂર સુધી પ્રકાશ ફેંકે છે પરંતુ તેની બીજી પણ ઘણી ખાસિયતો છે. હેલોજન લેમ્પમાં નાનકડી ટયુબ લાઈટ હોય છે. સામાન્ય બલ્બમાં ધાતુનું ફિલામેન્ટ હોય છે. ફિલામેન્ટ ગરમ થઈને ખરી પડે એટલે બલ્બ ઊડી જાય. હેલોજન લેમ્પમાં આવું થતું નથી. હેલોજન લેમ્પ કદી ઊડતાં નથી.
હેલોજન લેમ્પમાંય ધાતુની કોઈલ કે ફિલામેન્ટ તો હોય જ છે પરંતુ લેમ્પમાં હેલોજન વાયુ ભરેલો હોય છે. હેલોજન વાયુ જાદુઈ છે. લેમ્પમાં ટંગસ્ટનની ફિલામેન્ટ હોય છે. ટંગસ્ટન ગરમ થઈને વરાળ થઈ ખરી પડે તેવું હેલોજન લેમ્પમાં પણ થાય છે અને ત્યાંજ હેલોજન વાયુ કામમાં આવે છે. હેલોજન વાયુ ટંગસ્ટનની વરાળ ઉપર તરત જ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાખ ફરીથી ઊડીને ફિલામેન્ટ ઉપર ચોંટી જાય છે. આમ ફિલામેન્ટ સતત સંધાઈ જાય છે અને તૂટતું નથી.
હેલોજન એક વાયુ નથી પરંતુ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જેવા ૧૭ વાયુઓ હેલોજન પ્રકારનાં છે. આ વાયુઓને હેલોજન-૧૭ કહે છે.

વીજળી વડે રસોઈ ઇન્ડકશન સગડી

સોઈ કરવા માટે ચૂલા, સગડી, માઇક્રોવેવ ઓવન, ગેસના ચૂલા જાણીતા છે. પરંતુ ઇલેકટ્રીક પાવરથી ચાલતી ઇંડકશન સગડી વિશે ઘણાં લોકો જાણતા નથી.
ઇન્ડકશન એટલે વીજપ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર પેદા કરવાની પ્રક્રિયા. ઇન્ડકશન સગડીમાં ઇલેકટ્રોમેગ્નેટીઝમનો ઉપયોગ થાય છે. ઇલેકટ્રીક અને મેગ્નેટીઝમ એક ચમત્કારિક શક્તિઓ છે. માનવ જાતને અતિ ઉપયોગી થઈ છે. પરંતુ બંને ભેગા થાય ત્યારે વધુ ચમત્કાર કરે છે. ઇન્ડકશન પણ એક એવી જ અસર છે.
ઇન્ડકશન સગડીની રચના સાદી હોય છે. કાચ, કે સિરામિક જેવા વીજળીના અવાહક પદાર્થની પ્લેટ નીચે ધાતુની કોઇલ હોય છે. કોઇલમાં ઇલેકટ્રિક કરંટ દાખલ થાય ત્યારે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ રચાય છે. મેગ્નેટિક ફિલ્ડ એટલે ચૂંબકીય શક્તિ. સગડીની કાચની સપાટીમાં વીજપ્રવાહ દાખલ થતો નથી. તે ગરમ પણ થતી નથી. પરંતુ ચુંબકીય ક્ષેત્રની એક ખાસિયત છે. તેમાં ધાતુની કોઈ વસ્તુ દાખલ થાય ત્યારે તે ગરમ થવા માંડે છે. એટલે ઇન્ડકશન સગડીની કાચની સપાટી પર ધાતુનું વાસણ મૂકો કે તરત જ તે ગરમ થવા માંડે. અને વાસણમાં જે મૂક્યું તે રંધાવા માંડે છે તે નવાઈની વાત ! મોટી સપાટી હોય તો બે કે વધુ વાસણ પણ મૂકીને રસોઈ થઈ શકે.
સામાન્ય ગેસના ચૂલા કે સગડીમાં રાંધવા મૂકેલા ખોરાક અને જ્યોત વચ્ચે અંતર હોય છે. તેની ઘણી બધી ગરમી હવામાં વેડફાતી હોય છે. ઇન્ડકશન સગડીમાં ખોરાક સીધો જ ગરમીના સંપર્કમાં રહે એટલે પેદા થયેલી ગરમીનો ૮૫ ટકા ભાગ ખોરાક રાંધવા પાછળ વપરાય અને ખોરાક અન્ય સગડી કરતાં ચોથા ભાગના રૃપિયામાં તૈયાર થઈ જાય. આમ ઇન્ડકશન સગડી ઝટપટ રસોઈનું સાધન છે એ વાત ખરી. પરંતુ તેમાં વીજ ળીનો વપરાશ બહુ મોટો થાય છે એટલે ગેસ કે અન્ય ચૂલા કરતાં મોંઘી પડે છે.          

બરફનો ખંડ દક્ષિણ ધ્રુવ

પૃથ્વીના બંને ધ્રુવો પર સૂર્યનાં કિરણો એકદમ ત્રાંસા પડે અને પૃથ્વીની ધરી નમેલી હોવાથી છ માસ માટે તો ધ્રુવ પર સૂર્યના દર્શન જ ન થાય. એટલે બંને ધ્રુવો પર હમેશાં બરફની ચાદર છવાયેલી રહે. કરોડો વર્ષ પહેલાં દક્ષિણ ધ્રુવ ગોંડવાનાલેન્ડ નામનો વિશાળ ખંડ હતો. આજનો દક્ષિણ ધ્રુવ એટલે એન્ટાર્કટિકા ખંડ પૃથ્વી  પરનો સૌથી ઠંડા અને તીવ્ર પવનોનો ખંડ છે. સમગ્ર પૃથ્વી પર તેના હવામાનની અસર થાય છે. પૃથ્વી પરનું ૭૦ ટકા પાણી દક્ષિણ ધ્રુવ પર બરફ બનીને સચવાયું છે, દક્ષિણ ધ્રુવની ધરતી પર કાયમ માટે ૨૦૦૦ મીટર જાડું બરફનું પડ જામેલું રહે છે.
દક્ષિણ ધ્રુવમાં વિશ્વની સૌથી મોટી લેમ્બર્ટ ગ્લેશિયર વહે છે. દક્ષિણ ધ્રુવ પર હમેશાં માઇનસ ૭૩ ડિગ્રી તાપમાન સામાન્ય કહેવાય છે. વિચાર કરતાં ય ઠંડી ચઢી જાય તેવા આ ખંડ ઉપર ચાર જાતની વનસ્પિત થાય છે. દક્ષિણ ધ્રુવમાં સીલ અને વ્હેલ જેવાં જળચરો અને પેન્ગ્વીન પક્ષીઓ રહે છે.

અવાજ અને પડઘાનું વિજ્ઞાન

મોટા હોલ કે પર્વતની ખીણમાં અવાજના પડઘા સાંભળવા મળે છે. પડઘો એટલે તમારો જ અવાજ થોડી વાર પછી વખતે જ સંભળાય. કોઈ મોટા ખાલી હોલમાં આ અનુભવ તમને થયો હશે. અવાજ તરંગો બનીને હવામાં ફેલાય છે. અવાજના તરંગો એક પ્રકારની ઊર્જા છે તે દૂર સુધી પહોંચે છે પરંતુ તેના માર્ગમાં કોઈ દિવાલ કે અડચણ આવે તો તે તેને અથડાઈને પાછા ફરે છે. દિવાલ નરમ હોય તો તે અવાજની ઊર્જાને શોષી લે છે વળી પડઘા સંભળાતાં નથી. થિયેટરોમાં તમે જોયું હશે કે દિવાલ પર નરમ પદાર્થ વડે ડિઝાઈન કરેલી હોય છે. એટલે ફિલ્મના અવાજના પડઘા પડતા નથી.
અવાજના પડઘા ક્યારે સંભળાય તે પણ જાણવા જેવું છે. તમે બોલો ત્યાર બાદ સેકંડના દસમા ભાગમાં જ તે પાછો ફરે તો તમે બંનેને જુદા પાડી શકો નહીં. અવાજ લગભગ ૩૪૦ મીટર પ્રતિ સેકંડ ગતિ કરે છે. એટલે અવાજ ૧૭ મીટર દૂરથી પાછો ફરે તો તમે પડઘો સાંભળી શકો. એટલે ૧૭ મીટર લાંબી હીલ હોય તો પડધો સંભળાય. નાના રૃમમાં પડઘા સંભળાતાં નથી કેમ કે દિવાલ નજીક હોવાથી ખૂબ અવાજ અને પડઘા વચ્ચે સમય રહેતો નથી.
મૂળ અવાજ અને પડઘા વચ્ચેના સમયનું ચોકસાઈ પૂર્વક માપ લઈને તમે સામેની દિવાલ કે પર્વત કેટલા અંતરે છે તેની ગણતરી પણ કરી શકો.
ચામાચિડિયા પોતાના અવાજનો પડઘો સાંભળીને સામે રહેલા ઝાડ, થાંભલા કે દિવાલોની માહિતી મેળવી લે છે અને અંધારામાં ઉડતાં હોવા છતાં ય ક્યાંય અથડાઈ પડતાં નથી.
અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ એક રીતે અવાજ અને પડઘાનો ઉપયોગ કરીને દૂર રહેલી વસ્તુની માહિતી પણ મેળવી શકે છે.

હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું પાણી આગને કેમ ઠારે છે ?

હાઇડ્રોજન તરત સળગી ઊઠે તેવો વાયુ છે અને ઓક્સિજન દહનમાં મદદરૃપ થતો વાયુ છે. બંને વાયુઓ આગ વધારવાનું કામ કરે છે. છતાંય બંનેના સંયોજનથી બનેલું પાણી આગને ઓલવી નાખે છે. તે જાણીને થોડી નવાઇ લાગે. પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું છે. એ વાત સાચી પરંતુ પાણી બનવું એ રાસાયણીક પ્રક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન થતાં બે તત્ત્વો પોતાના ગુણધર્મનો ત્યાગ  કરે છે અને નવા ગુણધર્મોવાળું રસાયણ બને છે. આમ પાણીમાંનો હાઇડ્રોજન જ્વલનશીલ નથી. હવે પાણી આગને કેમ ઓલવે છે તે જાણો છો ? આગ ઉપર પાણી કોઇ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ સળગતી વસ્તુ ઉપર પાણી રેડાય ત્યારે પ્રથમ તો પાણીનું બાષ્પીભવન થઇ ગરમી ઓછી થાય છે અને સળગતી વસ્તુ વધુ સળગતી નથી. બીજું કે પાણી પડવાથી આગને આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન ભળતો રોકાય છે અને જ્વાળાઓ શાંત પડી જાય આમ પાણીથી આગ બુઝાય છે. આગ બુઝાવવા માટે પાણી છાંટવું એ શ્રેષ્ઠ ઉપાય મનાય છે.

વૃક્ષોની અવનવી વાતો

* વૃક્ષો માત્ર ફળ અને ફૂલ જ આપે તેવું નથી. કોઇપણ વૃક્ષ એક વર્ષમાં ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં આપે છે.
* વૃક્ષોમા મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ડાળીઓનાં પાન વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
* વૃક્ષો કદી વૃદ્ધ થઇને મરતાં નથી મોટે ભાગે જાનવરો, જંતુઓ, કુદરતી હોનારત કે માણસો દ્વારા તેનું નિકંદન નીકળે છે.
* ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.
* વૃક્ષો પોતાનો ૯૦ ટકા ખોરાક વાતાવરણ અને સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. બાકીનો ૧૦ ટકા જમીનમાંથી મૂળ દ્વારા શોષીને મેળવે છે.
* નેબ્રાસ્કામાં લોકોએ બે લાખ એકરમાં વૃક્ષો વાવી કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે.
* વૃક્ષોના થડના આડા છેદમાં રિંગ જેવી રચના હોય છે. તેનો અભ્યાસ કરી વિજ્ઞાાનીઓ હવામાનના ઇતિહાસની સાબિતી મેળવી શકે છે.
* પાણીમાં થતા કેટલાક છોડ આસપાસના પાણીમાં ઓક્સિજન ભેળવે છે.

પ્રકાશ વિશે આ પણ જાણો


  • * સામાન્ય રીતે આપણે જોઈ શકીએ તેવાં કિરણોને પ્રકાશ કહીએ છીએ. વિજ્ઞાાનીઓ પ્રકાશને ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કહે છે.
  • * પ્રકાશનું કિરણ દર સેંકડે ૨૯૯૭૮૨૪૫૮ મીટર ઝડપથી વહે છે.
  • * લાલ, પીળો અને ભૂરો પ્રકાશના મૂળ રંગ છે. અન્ય રંગ આ ત્રણની મેળવણીથી થાય છે.
  • * પ્રકાશ સીધી લીટીમાં વહેતી ઊર્જા છે.
  • * જુદા જુદા રંગનાં પ્રકાશનાં કિરણની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે.
  • * માણસ અલ્ટ્રાવાયોલેટ કે ઇન્ફ્રારેડ કિરણોને જોઈ શકતી નથી. કેટલાક પ્રાણી જોઈ શકે છે.
  • * સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે.
  • * પારદર્શક કાચ કે માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે વંકાય છે. તેને વક્રીભવન કહે છે.
  • * ચકચકિત કે તેજસ્વી સપાટી પરથી પ્રકાશ પાછો પડે છે અને સામેની વસ્તુનું પ્રતિબિંબ રચાય છે.
  • * આપણી ચામડી સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી બનાવે છે.
  • * વનસ્પતિનાં પાન સૂર્યપ્રકાશની મદદથી ફોટો સિન્થેસીસ દ્વારા ખોરાક બનાવે છે.

ટચસ્ક્રિન કેવી રીતે કામ કરે છે ?

કમ્પ્યુટરમાં કિ બોર્ડ અને માઉસ તથા મોબાઈલ ફોનમાં નંબરના બટનનો જમાનો હવે ગયો. મોબાઈલ અને લેપટોપ હવે આંગળીના ઈશારે ચાલે છે. તેને ટચસ્ક્રિન ટેકનોલોજી કહે છે. ટચસ્ક્રિન આંગળીના સ્પર્શથી કેવી રીતે કામ કરે છે તે જાણો છો? ટચસ્ક્રિન ટેકનોલોજી સેમ્યુલ હર્સ્ટ નામના વિજ્ઞાાનીએ શોધેલી. સ્ક્રીન પાતળા કાચનો બનેલો હોય છે તેની હેઠળ અલ્ટ્રા સોનિક તરંગોનો પ્રવાહ વહેતો હોય છે. અલ્ટ્રા સોનિક તરંગો ખૂબ જ સંવેદનશીલ હોય છે. આપણી આંગળી જ્યાં અડકે ત્યાં પ્રવાહ બંધ થઈ જાય. પ્રવાહ બંધ થાય એટલે બાકીનું કામ કમ્પ્યુટર સંભાળી લે. આપણી આંગળી જાણે માઉસ બની જાય છે. ટચ સ્ક્રીનની ત્રણ પદ્ધતિ છે. કેટલાક ટચસ્ક્રિનમાં સ્ક્રીન હેઠળ વીજભાર વહેતો હોય છે. એમાં આપણી આંગળીના ઉષ્ણતામાનની અસર થતા ફેરફાર થાય છે. આપણી આંગળીનું ઉષ્ણતામાન વાતાવરણના તાપમાન કરતાં થોડું વધારે હોય છે. આ ફેરફાર ટચસ્ક્રિન ઉપર અસર કરે છે. વીજભારવાળા ટચસ્ક્રિનમાં કાચના બે પડ હોય છે.

આપણા શરીરના કોશોમાં શું હોય છે ?

બહારથી જોઈએ તો આપણું શરીર ચામડી, હાડકાં, લોહી, સ્નાયુઓ વિગેરેનું બનેલું છે. આ બધા અવયવો ઝીણાં ઝીણાં કોશો જોડાઈને બન્યાં છે, મકાનમાં ઇંટ હોય તે જ રીતે આ અવયવોમાં કોશો હોય છે. જો કે કોશ માઇક્રોસ્કોપ વડે જ દેખાય એટલા સૂક્ષ્મ હોય છે. એક સોયની અણી ઉપર હજારો કોશો સમાય એટલા ઝીણા કોશની રચના સુક્ષ્ંમ કોશ જાતજાતના કામ કરે છે. કોશમાં પાતળા આવરણ વચ્ચે એવું અદ્ભૂત રસાયણ ભરેલું છે કે કોશોમાં શક્તિની લેવડદેવડ કરે. શક્તિનો ઉપયોગ પણ કરે. આપણે હાલીએ ચાલીએ ત્યારે આ કોશો જ કામ કરતાં હોય છે. દરેક અવયવના કોશોની રચના જુદી. લોહી પણ કોશોનું બનેલું. તેના કોશ આખા શરીરને ગરમી અને શક્તિ પહોંચાડે છે. કોશની ફરતે પાતળું આવરણ હોય છે. તેમાં પ્રવાહી ભરેલું હોય છે. તેના કેન્દ્રમાં જીનેટિક માહિતી હોય છે એટલે કે વંશવારસાના લક્ષણોની માહિતી હોય છે. મગજના કોશો જ્ઞાાન અને સંદેશાની લેવડદેવડ કરે છે. આ બધા કામમાં રાસાયણિક અને વીજ પ્રવાહનો ઉપયોગ થાય છે. કોશો ઘસાઈને નાશ પામે છે અને નવા કોશો પણ બને છે. એક કોશના બે ટુકડા થઈને નવો કોશ પેદા થાય છે. દરેક સજીવનું શરીર કોશોનું જ  બનેલું હોય છે.

વાહનોના ટાયર વિશે આ જાણો છો ?

આપણા દરેક વાહનોમાં રસ્તાના ખાડાટેકરાના આંચકા ઓછા કરવા પૈડાં પર ટાયર જરૃરી છે. ટાયર એ વાહનનો જરૃરી ભાગ છે. સ્થિતિસ્થાપક રબરનાં બનેલાં ટાયર જમીન અને પૈડાં વચ્ચેનો મુખ્ય સેતુ છે. ટાયર ઉપર સમગ્ર વાહનનું વજન, ઘસારો, રસ્તા પરના ખાડાટેકરા, કાર, ખીલી કે કાંટા જેવા પદાર્થો વગેરે પરિબળોનો સામનો કરવો પડે. વળી રોડ સાથેના ઘર્ષણથી તે ગરમ પણ થાય. સામાન્ય રબર આ વધુ સહન કરી શકે નહીં એટલે ટાયર બનાવવામાં રબર સાથે કાર્બન ઉમેરાય છે. તેથી તે વજનદાર અને સખત બને છે.
ટાયર એકલા રબરના નથી બનતા. તેની બંને તરફની કિનારી પર ધાતુના તાર મઢેલા હોય છે. જેથી તે વ્હીલ સાથે મજબુતાઈથી જકડાઈ રહે. ટાયર બેથી ત્રણ પડનાં બને છે. વચ્ચેના પડમાં મજબૂત દોરાની ગુંથણીવાળું પડ હોય છે. તે ટાયરને ફાટી જતું રોકે છે. રસ્તા ઉપર ટાયર લપસી ન પડે તે માટે તેની સપાટી પર ખાડા ટેકરાવાળી પેટર્ન હોય છે.
જુદા જુદા વાહનોમાં ટાયર પણ જુદી જુદી ક્ષમતાના વપરાય. ટ્રેક્ટર, ટ્રેક વગેરેના ટાયર અતિશય મજબૂત અને વજનદાર બનાવવા પડે. ૫૦૦ કિલોગ્રામ કરતાંય વધુ વજનના વાહનો ૩૦૦ કિલોમીટરની ઝડપે ચાલે તોય ટાયર અકબંધ રહે તેવા ટાયર પણ બને છે. ટાયર ઉપર તેની ક્ષમતાના આંકડા લખેલા હોય છે.

આપણી ચામડી સૂર્યપ્રકાશમાંથી વિટામીન 'ડી' કેવી રીતે બનાવે છે ?

ચામડી આપણા શરીરનું રક્ષણ કરવા માટેનો મુખ્ય અવયવ છે. તે ઘણા અન્ય કામ પણ કરે છે. ચામડી સૂર્યપ્રકાશમાંથી વિટામીન ડી બનાવીને લોહીમાં ભેળવે છે. આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તે પણ જાણવા જેવું છે. ચામડીના કોશોમાં હાઈડ્રોકોલોસ્ટીરોલ નામનું તત્ત્વ હોય છે. સૂર્યપ્રકાશમાંના અલ્ટ્રાવાયોલેટ કિરણો સાથે આ દ્રવ્ય પ્રક્રિયા કરે છે અને વિટામીન ડી બની લોહીમાં ભળે છે. બપોરે સૂર્યપ્રકાશ તીવ્ર હોય છે અને તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ વધુ હોય છે. વધુ પડતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ચામડી અને આંખોને નુકસાન કરે છે. એટલે વિટામીન 'ડી' મેળવવા માટે સવારનો હુંફાળો તડકો વધુ ઉપયોગી છે.

બાયનોક્યુલર્સ અને ટેલિસ્કોપ

બાયનોક્યુલર્સ અને ટેલિસ્કોપ નામના સાધનોનું કામ એક જ છે. દૂરની વસ્તુ મોટી કરી નજીક દેખાડવાનું. ક્રિકેટ મેચ કે પક્ષીદર્શન કરવા માટે બાયનોક્યુલર્સ વપરાય છે અને આકાશદર્શન કરવા માટે ટેલિસ્કોપ વપરાય છે.
બંને આંખ ઉપર ગોઠવાય તેવા દૂરબીનને બાયનોક્યુલર્સ કહે છે. તેમાં બંને આંખ વડે દૃશ્ય જોવાનું હોવાથી તે થ્રીડીમાં દેખાય છે. દૃશ્યની ઊંડાઈ પણ દેખાય છે. ક્રિકેટની મેચ બાયનોક્યુલર્સ વડે જોવામાં જ મજા પડે.
ટેલિસ્કોપ અને બાયનોક્યુલ્સ બંનેની ક્ષમતા તેમાં ઉપયોગમાં લેવાયેલા લેન્સની તરંગ લંબાઈ પર આધારિત છે.

" મેગા હર્ટઝ " વિષે જાણો

કોઈપણ આંદોલિત થતા કે ધ્રુજતા પદાર્થની ધ્રુજવાની ગતિ હર્ટઝમાં માપવામાં આવે છે. હેન્તિક હર્ટઝ નામના વિજ્ઞાાનીએ તેની શોધ કરેલી એટલે તેના નામ ઉપરથી આ એકમને હર્ટઝ કહે છે. અવાજના તરંગો, પ્રકાશના તરંગો, રેડિયો વેવ્ઝ કે ઘડિયાળમાં ક્વાર્ટઝની ધ્રુજારી આ બધાનું માપ હર્ટઝમાં મપાય છે. કમ્પ્યુટરની ઝડપ માટે આ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે. કમ્પ્યુટર અતિઝડપી હોવાથી તેનું માપ એક, બે કે સો હર્ટઝથી માપી શકાય નહીં. ક્વાર્ટઝનો સ્ફટિક એક સેકંડમાં લાખો કે કરોડો વખત કંપન કરતો હોય છે. એટલે તેની ક્ષમતા હમેશાં મેગાહર્ટઝ એટલે કે એક સેકંડના ૧૦ લાખ કંપનમાં લેવાય છે. કમ્પ્યુટરના પ્રોસેસરની ક્ષમતા મેગાહર્ટઝમાં બોલાય છે.

સાબુના પાણીના બબલનું વિજ્ઞાન

સાબુનું પાણી હલાવીએ તો ખૂબ જ ફીણ વળે છે. ફીણ એટલે હવા ભરેલા ઝીણા ઝીણા બબલ્સ, ક્યારેક મોટા પરપોટા પણ જોવા મળે. સાબુના પાણીમાં ભૂંગળીની મદદથી બબલ ઉડાડવાની રમત પણ જાણીતી છે. હવામાં ઊડતા સાબુના બબલ્સ જોવાની મઝા પડે. તેની પર સૂર્યપ્રકાશ પડે તો રંગબેરંગી દેખાય. પાણીના પાતળા આવરણના બનેલા  આ બબલની દીવાલ ત્રણ પડની બનેલી હોય છે. સાબુના મોલક્યુલ કે રેલુયો એવી ખાસિયાત ધરાવે છે કે તેનું માથું હમેશા પાણી તરફ રહે. સાબુના આ સુક્ષ્મ કણો એક જ તરફ ગોઠવાઈને કતારબંધ દીવાલ બનાવે છે. વચ્ચે હવા ભરાય છે. હવા ચારે તરફ સરખું દબાણ કરે એટલે ગોળાકાર બબલ બને. તમે ધ્યાનથી જોશો તો હવામાં ઊડતાં બેઉ બબલ નજીક આવે તો ૧૨૦ અંશના ખૂણે એકબીજા સાથે ચોંટીને ઊડયા કરે. વાતાવરણની ગરમીથી બબલનું પાણી બાષ્પીભવન થઈ જાય એટલે બબલ ફૂટી જાય.

સંગીત અને ઘોંઘાટમાં શું ફેર ?

ઘોંઘાટ અણગમતો અવાજ છે. સંગીત પણ અવાજ છે પણ આપણને સાંભળવું ગમે છે. બંને અવાજોના તરંગો હોવા છતાંય આ તફાવત શા માટે તે જાણો છો ? અવાજ કોઈ પણ વસ્તુની ધ્રૂજારીમાંથી પેદા થયેલા કંપન કે મોજાં દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આ તરંગોને ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. ઘોંઘાટ અનિયમિત કંપનોથી પેદા થતો મોટો અવાજ છે જ્યારે સંગીત નિયમિત કંપનોમાંથી પેદા થાય છે. ધાતુનો ચિપિયો દીવાલ પર અથડાવો તો તેના પાંખિયા ધ્રૂજે અને અવાજ ઉત્પન્ન થાય પરંતુ તેને સંગીત કહેવાય નહીં સારંગી, સિતાર અને તંબૂરા જેવા વાદ્યોમાં લાકડાની પેટી કે ગોળાકાર તુમડા જોડેલા હોય છે. તેના તાર ધ્રૂજે ત્યારે અવાજ પેદા થાય છે પરંતુ તુમડાના કારણે આ અવાજની સાથે બીજો તરંગ પણ પેદા થાય સંગીતકારો તેને અધિસ્વર કહે છે આ અધિસ્વરને કારણે સંગીત પ્રિય લાગે છે અને અવાજ કર્ણમધુર બને છે. જુદા જુદા વાજિંત્રોને જુદા જુદા અધિસ્વર હોય છે. દરેક વાજિંત્રના વિશિષ્ટ ધ્વનિ હોય છે જે કર્ણમધુર લાગે છે.


ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત ચોથું પ્લાઝમા શું છે ?



પાણી પ્રવાહી છે. તેનું ઘન સ્વરૃપ બરફ અને વાયુ સ્વરૃપ વરાળ છે. દરેક પદાર્થ આ ત્રણ સ્વરૃપોમાંથી એક હોય છે. પરંતુ વિજ્ઞાનીઓએ પદાર્થનું ચોથું સ્વરૃપ પ્લાઝમા શોધી કાઢયું છે. ખરેખર તો બનાવ્યું છે. કેમ કે કુદરતી રીતે પ્લાઝમા સ્વરૃપ જોવા મળતું નથી. તમને પદાર્થનું પ્લાઝમા રોજ જોવા મળે છે પણ આપણને તેની ઓળખ નથી. બજારમાં ઝળહળતી નિઓન ટયુબ લાઇટમાં પ્લાઝમા ભરેલું હોય છે. પદાર્થને સતત ઊચા તાપમાને ગરમ રાખીએ તો પ્લાઝમા સ્વરૃપ મળે. પ્લાઝમા બનવાની અણુપ્રક્રિયા જટિલ છે. પરંતુ પાણીને ગરમ કરીએ તો વરાળ બને. વરાળને ય વધુ ગરમ કરીએ તો પ્લાઝમા બને પણ આ વધુ ગરમ એટલે હદ બહારની ગરમી. સૂર્ય અને મોટા તારાઓમાં પ્રચંડ તાપમાનને કારણે પ્લાઝમા હોય છે. વિજ્ઞાાનીઓએ વાયુઓમાં ઇલેકટ્રોન પસાર કરીને પ્લાઝમા સ્વરૃપ મેળવવાની રીત શોધી કાઢી છે. આ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. જે ઇલેકટ્રોમેગ્નેટિક મોજા સ્વરૃપે પ્રકાશ પેદા કરે છે. પ્લાઝમા અંગે ઘણાં સંશોધનો થાય છે અને તેના અનેક ઉપયોગો પણ છે.

" બાયોસ્ફિયર " વિષે જાણો


પર્યાવરણની વાતોમાં તમે બાયોસ્ફીયર શબ્દ સાંભળ્યો હશે. બાયોસ્ફિયર એટલે પૃથ્વીપરનું જીવમંડળ. તેને જૈવિક ક્ષેત્ર પણ કહે છે. બાયોસ્ફિયરમાં શું શું હોય તે જાણો છો ? રશિયાના વ્લાદીમિર વનરાદાન્સ્કી નામના જીવશાસ્ત્રીએ આ શબ્દ બતાવ્યો હતો. તેને ઊંડુ વિજ્ઞાાન છે. પૃથ્વી પર સજીવ અને નિર્જીવ પદાર્થો વાતાવરણ સાથે તાલમેલ સાધીને એકબીજાનો ઉપયોગ કરે છે. કોઇપણ જીવ પોતાના પર્યાવરણ વિના જીવે નહીં. આપણે ઓક્સિજનવાળી હવામાં જ રહેવું પડે. માછલીઓને સમુદ્રના પાણીમાં જ રહેવું પડે.
પૃથ્વી પર પર્વતોની ઊંચાઇ સુધી જમીન પર જીવન વિકાસ પામી શકે છે. સમુદ્રના પાણીમાં છેક તળિયા સુધી જીવન વિકાસ પામે છે. પૃથ્વીના પેટાળમાં પણ કેટલીક ઊંડાઇ સુધી જીવજંતુઓ જીવે છે. જ્યાં જ્યાં જીવન હોય તે વિસ્તાર એટલે બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એ પર્યાવરણનું અગત્યનું અંગે છે. બધા જ જીવો એકબીજાનો આધાર લઇ ઉપોયગ કરી પર્યાવરણની રચનામાં હિસ્સો બને છે. આપણે પણ પર્યાવરણ અને જૈવમંડળનો હિસ્સો છીએ.

અવકાશનું અવનવું

* શુક્ર સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ છે. તેની સપાટી પર કાયમ ૪૫૦ ડિગ્રી તાપમાન રહે છે

.* શનિના ઉપગ્રહ ટાઇટન ઉપર જીવન માટે શક્ય એવા ઓર્ગેનિક પદાર્થો હોવાના પુરાવા મળ્યા છે.

* ૧૯૯૪ના જુલાઇમાં શૂમકેર લેવી ૯ ધૂમકેતુ ગુરુ સાથે અથડાયો હતો. અવકાશની આ સૌથી મોટી અથડામણ હતી.


* સેટેલાઇટ પૃથ્વીથી જેમ વધુ નજીક તેમ તેને વધુ ઝડપથી ફરતો રાખવો પડે. મોટા ભાગના સેટેલાઇટ પૃથ્વીની ૩૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં હોય છે.
* મંગળ ઉપરનો ઓલિમ્પસ મોન્સ જ્વાળામુખી સૂર્યમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તે માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો છે.
* દરેક ગ્રહના કેન્દ્રમાં પીગળેલું પોલાદ હોય છે. જેથી મેગ્નેટિક ફિલ્ડ રચાય છે.
* ગુરુના ગ્રહની સપાટી હિલિયમ અને હાઇડ્રોજનના વાયુની બનેલી છે.

Tuesday, February 25, 2014

કેટલા ચોરસ છે ?


વિજ્ઞાનને લગતા સાધનો

  1. સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
  2. ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
  3. એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
  4. એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
  5. ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
  6. ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
  7. પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
  8. બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
  9. ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
  10. હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
  11. હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
  12. માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
  13. રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
  14. સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
  15. સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
  16. એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
  17. ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
  18. એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
  19. કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
  20. કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
  21. ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
  22. થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
  23. સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
  24. સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
  25. એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
  26. ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
  27. માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
  28. હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
  29. ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
  30. ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
  31. એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
  32. ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
  33. થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
  34. માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
  35. વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
  36. સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
  37. હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
  38. હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
  39. મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
  40. ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
  41. પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
  42. ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
  43. એટમોમીટર : બાષ્પદર માપક સાધન
  44. એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
  45. એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
  46. ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
  47. કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
  48. ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
  49. કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
  50. કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
  51. કોનોમીટર : કાલ માપક સાધન
  52. પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
  53. કિલનોમીટર : ઢાળ માપક સાધન
  54. કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
  55. ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
  56. ગોનિયોમીટર : કોણ માપક સાધન
  57. ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
  58. ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
  59. ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
  60. પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
  61. પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
  62. પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
  63. પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
  64. ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
  65. બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
  66. બેરોમીટર : વાયુભાર માપક સાધન
  67. માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
  68. મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
  69. રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
  70. લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
  71. વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
  72. વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
  73. સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
  74. સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

ગણિત ગમ્મત


1 x 8 + 1 = 9 

12 x 8 + 2 = 98

123 x 8 + 3 = 987

1234 x 8 + 4 = 9876

12345 x 8 + 5 = 98765

123456 x 8 + 6 = 987654

1234567 x 8 + 7 = 9876543

12345678 x 8 + 8 = 98765432

123456789 x 8 + 9 = 987654321 



1 x 8 + 1 = 9

12 x 8 + 2 = 98

123 x 8 + 3 = 987

1234 x 8 + 4 = 9876

12345 x 8 + 5 = 98765

123456 x 8 + 6 = 987654

1234567 x 8 + 7 = 9876543

12345678 x 8 + 8 = 98765432

123456789 x 8 + 9 = 987654321



1 x 9 + 2 = 11

12 x 9 + 3 = 111

123 x 9 + 4 = 1111

1234 x 9 + 5 = 11111

12345 x 9 + 6 = 111111


123456 x 9 + 7 = 1111111

1234567 x 9 + 8 = 11111111

12345678 x 9 + 9 = 111111111

123456789 x 9 +10= 1111111111


9 x 9 + 7 = 88

98 x 9 + 6 = 888

987 x 9 + 5 = 8888

9876 x 9 + 4 = 88888

98765 x 9 + 3 = 888888

987654 x 9 + 2 = 8888888

9876543 x 9 + 1 = 88888888

98765432 x 9 + 0 = 888888888


મઝાનું છે નહીં ?

હવે આ સમરૂપતા જુઓ


1 x 1 = 1

11 x 11 = 121

111 x 111 = 12321

1111 x 1111 = 1234321

11111 x 11111 = 123454321

111111 x 111111 = 12345654321

1111111 x 1111111 = 1234567654321

11111111 x 11111111 = 123456787654321

111111111 x 111111111 = 12345678987654321


New Age Technology