Sunday, March 2, 2014

પ્રાચીન કાળના ભારતના ખગોળશાસ્ત્રીઓ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવી અનેક બાબતોથી વાકેફ હતા !



ન્યૂટન પૂર્વે સેંકડો વર્ષ પહેલાં ભારતના ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્યે એમની 'સિદ્ધાંત શિરોમણિ' નામની કૃતિમાં ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની સમજ આપી છે !

      સૃષ્ટિનું ગતિચક્ર એક સુનિયોજિત વિધિ કે વ્યવસ્થાના આધારે ચાલી રહ્યું છે. બ્રહ્માંડમાં રહેલી વિભિન્ન નિહારિકાઓ, ગ્રહો, નક્ષત્રો વગેરે પારસ્પરિક સહકાર સાધી સંતુલિત રહી નિરંતર પરિભ્રમણ કરતા રહે છે. જે બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ એની પોતાની પરિધિ એક લાખ પ્રકાશવર્ષ છે અને આવા તો હજારો અજ્ઞાાત બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે! અર્વાચીન ખગોળશાસ્ત્રએ અત્યાધુનિક ટેલિસ્કોપ અને અન્ય સાધનો થકી બ્રહ્માંડ વિશે ઘણીબધી માહિતી ઉપલબ્ધ કરી છે. પ્રાચીન કાળમાં જ્યોતિર્વિજ્ઞાાન પણ ઘણું સમૃદ્ધ હતું, જેમાં ખગોળ વિજ્ઞાાન, ગ્રહ ગણિત, પરોક્ષ વિજ્ઞાાન જેવા અનેક વિષયો સમાવિષ્ટ હતા. એ જ્ઞાાનને આધારે કેટલીય ઘટનાઓનું પૂર્વ અનુમાન કરી લેવામાં આવતું હતું. આજે પણ એ મહાન વિદ્યા સાથે સંબંધિત ગ્રંથો અને ઐતિહાસિક પ્રમાણો મોજૂદ છે, જેનાથી એ સમયની જ્યોતિર્વિજ્ઞાાનની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થાય છે.
આર્ષ સાહિત્યમાં સૌથી પ્રાચીન ગ્રંથ વેદ છે. અનેક પ્રસંગો એવા છે જેના પરથી જણાય છે કે પ્રાચીનકાલીન ઋષિઓને જ્યોતિર્વિજ્ઞાાનનું જ્ઞાાન હતું. યજુર્વેદમાં નક્ષત્ર - દર્શ અને ઋગ્વેદમાં ગ્રહ-રાશિનું વર્ણન મળે છે. અથર્વવેદ પ્રમાણે ગાર્ગ્ય ઋષિએ સર્વપ્રથમ અંતરિક્ષને વિભન્ન રાશિઓમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ સિવાય ૨૮ નક્ષત્ર, સપ્તર્ષિ મંડળ બૃહત્લુબ્ધક, આકાશગંગા વગેરેનું જ્ઞાાન વેદોમાંથી મળે છે. છ ઋતુઓ અને બાર મહિનાઓનું નામકરણ સર્વપ્રથમ પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રીઓએ જ કર્યું હતું. ભૌતિક વિજ્ઞાાનીઓને ઘણા સમય પછી એ જાણકારી પ્રાપ્ત થઇ કે સૂર્યના કિરણોમાં સાત વર્ણ છે. પણ તૈત્તિરીય સંહિતા જેવા પ્રાચીન ગ્રંથમાં ઘણા સમય પૂર્વે સૂર્યને 'સપ્તરશ્મિ' કહેવામાં આવ્યો હતો. કેટલાક વિદ્વાનોનો મત છે કે ભૌતિક વિજ્ઞાાનીઓને સૂર્યના કિરણોના સપ્ત વર્ણનો આધાર એ પ્રાચીન ગ્રંથમાંથી જ પ્રાપ્ત થયો હતો. એવું માનવામાં આવે છે કે વેદોની રચના ૪૦૦૦ ઈ.પૂ.થી ૨૫૦૦ ઈસ્વીસન પૂર્વેની વચ્ચે થઇ હતી.
વૈદિક યુગ પછી રામાયણ અને મહાભારતનો સમય આવ્યો જે લગભગ ૨૫૦૦ ઈ.સ. પૂર્વેથી લઇને ૨૦૦૦ ઈ.સ. પૂર્વ સુધીનો મનાય છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ એક વિદ્વાન જ્યોતિર્વિદ પણ હતા. એમણે રામાયણમાં પણ તારાઓ અને ગ્રહોની ગતિ અને સ્થિતિનું વર્ણન કરીને એમનો માનવજીવન પર કેવો પ્રભાવ પડે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાવણ પણ પ્રખર જ્યોતિર્વિજ્ઞાાની હતો. તેણે રચેલ ગ્રંથ 'રાવણ સંહિતા' એની વિલક્ષણ જ્યોતિર્વિજ્ઞાાનની જાણકારીનું પ્રમાણ છે. આ ગ્રંથને જ્યોતિષશાસ્ત્રનો અસાધારણ ગ્રંથ માનવામાં આવે છે. ગુરુ વસિષ્ઠ, વિશ્વામિત્ર, મનુ, યાજ્ઞાવલ્કય જેવા ઋષિઓ એમના સમયના પ્રખર જ્યોતિર્વિજ્ઞાાની હતા. 'યાજ્ઞાવલ્કય સ્મૃતિ'માં તારાઓ અને તારાઓની રશ્મિઓનું વિશદ વર્ણન છે. મહાભારતમાં પણ ઋતુઓ, ગ્રહો-નક્ષત્રો વગેરેનું યથાર્થ વર્ણન છે. એ જ રીતે ઈસવી સન પૂર્વે થયેલા જ્યોતિર્વિજ્ઞાાનીઓમાં વ્યાસ, અત્રિ, પરાશર, કશ્યપ, નારદ, ગર્ગ, મરીચિ, અગ્ર, લોમેશ, પૌલસ્ત્ય, ચ્યવન, યવન, ભૃગુ, શૌનક વગેરે પણ નામાંકિત છે.
ઈ.સ. પૂર્વે ૫૦૦ થી ઈ.સ. ૫૦૦ સુધીના ગાળામાં વિદેશી આક્રમણકારો સક્રિય રહ્યા. સિકન્દરે પણ આ ગાળામાં જ આક્રમણ કર્યું. એ વખતે મૂલ્યવાન પાણ્ડુલિપિના ગ્રંથો નાશ પામ્યા. કેટલાક તે પોતાની સાથે લઇ ગયા, જેનો જર્મન, રોમન, ફ્રેન્ચ વગેરે ભાષાઓમાં અનુવાદ થયો. તે ત્યાંના મ્યુઝિયમમાં હજુ પણ સચવાયેલ છે- એ પછી વર્ષો બાદ પાટલિપુત્રમાં આર્ય ભટ્ટે એને પુનર્જીવિત કરવાનું કામ શરૃ કર્યું. ઈ.સ. ૪૭માં તેમનો જન્મ થયો હતો. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પાટલિપુત્રની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠમાં ખગોળવિજ્ઞાાનનો ગહન અભ્યાસ અને સંશોધનો કર્યા. તેમણે 'આર્યભટ્ટમ્' 'તંત્ર', 'દશગીતિકા' નામના ત્રણ પ્રખ્યાત ગ્રંથો લખ્યા હતા. આર્ય ભટ્ટ દુનિયાના એ સર્વ પ્રથમ ખગોળવિજ્ઞાાની હતા જેમણે એ સિદ્ધાન્તની શોધકરી કે પૃથ્વી પોતાની ધરી અને કક્ષા પર દૈનિક ગતિ કરતી રહે છે. એની આ ગતિને કારણે જ દિવસ અને રાત થાય છે.
આર્ય ભટ્ટ પછી જ્યોતિર્વિજ્ઞાાનમાં સર્વાધિક કામગીરી કરનારા હતા આચાર્ય વરાહમિહિર. એમનો જન્મ ઉજ્જૈનના કાલ્પી નામના સ્થળે થયો હતો. એમણે રચેલ ગ્રંથો 'બૃહદ્જાતક' અને 'બૃહત્સંહિતા'માં આ વિષયની તમામ જાણકારી ઉપલબ્ધ થાય છે. ગ્રહણ, ઉલ્કાપાત, ભૂકંપ, દિગ્દાહ, વૃષ્ટિ, પ્રકૃતિ, ગ્રહ, નક્ષત્રોની સ્થિતિ, ગતિનો પ્રભાવ વગેરે બાબતો પર એમાં સૂક્ષ્મ વર્ણન છે. એવું માનવામાં આવે છે કે પદાર્થ વિજ્ઞાાનની નવી શાખા - એસ્ટ્રોફિઝિક્સ (ખગોળ ભૌતિકી) જેમાં ગ્રહ, નક્ષત્રોના ચુંબકીય વિદ્યુતીય ઉષ્મા વગેરે પ્રભાવોનું અધ્યયન કરવામાં આવે છે એની ઉત્પત્તિ વરાહમિહિરના ગ્રંથોની માહિતીની આધારે જ થઇ છે! એમની 'પંચ સિદ્ધાન્તિકા' કૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એમાં એમણે વર્ણન કરેલ સૂર્ય સિદ્ધાન્ત અજોડ છે. તેમણે વિષુવઅયનની ક્રિયાનું વર્ણન પણ કર્યું છે. તેમણે પોતાના સૂક્ષ્મ સંશોધનને આધારે એનું માન ૫૪ વિકલ્પ (સેકન્ડ) પ્રતિવર્ષ પ્રાપ્ત કર્યું. આનું આધુનિક માન અર્વાચીન ખગોળવિજ્ઞાાનીઓએ ૫૪.૨૭૨૮ સેકન્ડ શોધ્યું છે. બન્ને શોધ વચ્ચે કેટલું બધું સામ્ય છે! ૫૪ સેકન્ડનો અંક એક સમાન છે! અચરજ ભરી વાત તો એ છે કે આધુનિક યંત્રોનો અભાવ હોવા છતાં વરાહ મિહિરે આટલી સૂક્ષ્મ અને સચોટ રીતે સાચી ગણતરી કઇ રીતે કરી હશે?
૨૫ ડિસેમ્બર ૧૬૪૨માં જન્મેલા આઈઝેક ન્યૂટને તો છેક સત્તરમી સદીમાં એ શોધ્યું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ શક્તિ છે. તેમણે લખેલા પુસ્તક 'ફિલોસોફી નેચરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા (મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઑફ નેચરલ ફિલોસોફીમાં) 'લૉઝ ઑફ મોશન એન્ડ યુનિવર્સલ ગ્રેવિટેશન'નો સિદ્ધાંત પ્રસિદ્ધ થયો. આ પુસ્તક ઈ.સ. ૧૬૮૭માં પ્રકાશિત થયું હતું. એનાથી સેંકડો વર્ષો પૂર્વે મહાન ભારતીય વિજ્ઞાાની જ્યોતિર્વિદ ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો! એમની પ્રખ્યાત કૃતિ 'સિદ્ધાંત શિરોમણિ'માં આ વાતનું પ્રમાણ જોવા મળે છે. તેમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમણે લખ્યું છે-
'આકૃષ્ટ શક્તિશ્ચ મહીતયા યત્, સ્વસ્થં ગુરું સ્વાભિમુખં સ્વશક્તયા ।
આકૃણ્વતે તત્પતન્નીતિ ભાતિ, સમે સમન્તાત્ કવ પતત્વયં રવે ।
અર્થાત્ પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે. એનાથી તે પોતાની આસપાસની વસ્તુઓને આકર્ષિત કરી લે છે. પૃથ્વીની નજીક આ આકર્ષણ શક્તિ વધારે પ્રમાણમાં હોય છે. જેમ જેમ અંતર વધતું જાય છે તેમ તેમ તે ઘટતી જાય છે. જો કોઇ સ્થળેથી વજનમાં ભારે અને હલકી વસ્તુ છોડી દેવામાં આવે તો બન્ને એક જ સમયે પૃથ્વી પર પડશે. એવું નહીં બને કે ભારે વસ્તુ પહેલા પડશે અને હલકી વસ્તુ તેના પછી પડશે. ગ્રહો અને પૃથ્વી આ આકર્ષણ શક્તિના પ્રભાવથી જ પરિભ્રમણ કરે છે.'
દુનિયામાં મોટા ભાગના લોકો એમ સમજે છે કે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ ન્યૂટને કરી. પણ વાસ્તવિકતા એ છે કે એ સિદ્ધાંત ન્યૂટને રજૂ કર્યો એના ઘણા સમય પૂર્વે આપણા જ્યોતિર્વિજ્ઞાાની ભાસ્કરાચાર્યે પ્રસ્થાપિત કરી દીધો હતો. એટલે એનું શ્રેય સાચે જ તો એમને મળવું જોઇએ! આ મહાન ખગોળવિજ્ઞાાની અને ગણિતશાસ્ત્રીનો જીવનગાળો ઈ.સ. ૧૧૧૪ થી ૧૧૮૫ વચ્ચેનો રહ્યો. અત્યારના કર્ણાટકમાં આવેલા બિજાપુરની નજીકમાં એમનો જન્મ થયો હતો. તે ઉજ્જનમાં આવેલી ખગોળશાસ્ત્રીય વેધશાળાના પ્રમુખ હતા. ખગોળ અને ગણિતશાસ્ત્ર ક્ષેત્રમાં તેમણે કરેલી શોધો અર્વાચીન વિજ્ઞાાનના વિકાસના પાયારૃપ ગણાય છે.

No comments:

Post a Comment