Saturday, September 20, 2014

શરીરનું સુપર કમ્પ્યૂટર : મગજ

દરેક પ્રાણી, પક્ષીઓ અને જળચરોના શરીરનું સંચાલન મગજમાં થાય છે. મગજ એ સજીવના શરીરનો રાજા છે. દરેક પ્રાણીઓનાં મગજ તેમની જરૃરિયાત પ્રમાણે કાર્યશક્તિ ધરાવે છે પરંતુ માણસનું મગજ સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને એટલે જ માણસ બુદ્ધિશાળી પ્રાણી કહેવાય છે.
આપણું મગજ ભૂખરા રંગના નરમ કોશોના બનેલા માંસના લોચા જેવું છે. મગજ નાજુક અવયવ છે તેની આસપાસ પ્રવાહી આવરણના બે પડ ઉપરાંત ખોપરીનું સખત આવરણ છે. આપણું મગજ સુપર કમ્પ્યૂટર કરતાંય વધુ ઝડપથી માહિતીનું પ્રોસેસિંગ કરે છે.
મગજની રચના અને કાર્યપદ્ધતિ જટિલ છે. વિજ્ઞાાનીઓ પણ હજી પૂરાપૂરા રહસ્યો જાણી શક્યા નથી. મગજમાં કરોડો  જ્ઞાાનકોશો હોય છે આ બધા જ્ઞાાનકોશો જ્ઞાાનતંતુઓ વડે સંદેશાની આપ-લે કરે છે. જ્ઞાાનતંતુઓમાં હળવો ઇલેકટ્રિક પ્રવાહ વહેતો હોય છે. આમ આપણું મગજ એક જટિલ ઇલકટ્રિક સર્કિટ જેવું છે. મગજમાં જ્ઞાાનતંતુઓ ઉપરાંત રક્તવાહિનીઓ હોય છે લોહી મગજને સતત ઓક્સિજન પૂરો પાડતું રહે છે.
મગજ આપણી જાણ બહાર પણ ઘણાં કામ કરે છે. ભૂખ લગાડવાનું, હૃદયને નિયમિત ધબકતું રાખવાનું, ફેફસાં દ્વારા શ્વાસ લેવાનું વગેરે કામો પર મગજનું નિયંત્રણ હોય છે. ખંજવાળ આવે ત્યારે આપણો હાથ આપો આપ ક્રિયાશીલ થાય છે તે કામ પણ મગજ કરે છે. ઇજા થાય ત્યારે ચીસો પાડવાનો હુકમ પણ મગજ કરે છે.
આપણું મગજ પીઠમાં આવેલી કરોડરજ્જુમાં રહેલા જ્ઞાાનતંતુઓ વડે સમગ્ર શરીર સાથે જોડાયેલું રહે છે

આકાશના તારાનું વૈવિધ્ય

રાત્રિમાં આકાશમાં લાખો તારા ટમટમતા દેખાય. બ્રહ્માંડમાં તારાઓનું વિશ્વ અનોખું છે. આપણને બધા સરખા દેખાય પરંતુ ખગોળશાસ્ત્રીએ અવલોકનો કરીને તારાઓને અનેક જાતમાં વહેંચ્યા છે.
બ્રાઉન ડવાર્ફ એટલે નિષ્ફળ તારાઓ નવા નવા જન્મે ત્યારે થોડાં ઝાંખા દેખાય. આ તારાઓમાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી કેન્દ્ર મજબૂત બનતું નથી અને બાળપણમાં જ નાશ પામે છે.
રેડ ડવાર્ફ તારાઓ પ્રમાણમા મોટા પરંતુ ઠંડા હોય છે. આકાશમાં દેખાતાં તારાઓમાં સૌથી વધુ રેડ ડવાર્ફ હોય છે. સૂર્ય કરતાં ૧૦ ટકા જ તેજસ્વી હોય છે.
યલો ડવાર્ફ તારાઓ લગભગ સૂર્ય જેવડા મોટા હોય છે અને ઘણાં તેજસ્વી હોય છે. આલ્ફા, સેન્ચૂરી એ, તાઉસેટી વગેરે યલો ડવાર્ફ જાણીતા છે. વ્હાઈટ સ્ટાર સૂર્ય કરતાં મોટા હોય છે ઘણા તેજસ્વી હોય છે. સીરસ અને વેગા જાણીતા છે. રેડ જાયન્ટ તારા કદમાં નાના હોય છે. તેમાંથી બધા જ હાઈડ્રોજનનું હિલિયમમાં રૃપાંતર થઈ જાય પછી અનેક ગણા મોટા થાય છે. મોટા થઈને ફાટી પડે છે. એન્ટારીસ અને બીટલગીઝ રેડ જાયન્ટ જાણીતા તારા છે.
વ્હાઈટ ડવાર્ફ એ રેડ જાયન્ટ તૂટી પડે પછી તેના અવશેષોરૃપે જન્મે છે અને નિષ્ક્રિય હોય છે. તેની બાહ્ય સપાટી તેજસ્વી હોય છે તે આપણી પૃથ્વી જેવડા હોય છે. બ્લેક ડવાર્ફ તારાઓ તો તેના નામ પ્રમાણે દેખાતા જ નથી. વ્હાઈટ ડવાર્ફ અબજો વર્ષ પછી ઠરી જઈને કાળા પડી જાય છે. ખગોળશાસ્ત્રીઓ આવા તારાને મુશ્કેલીથી શોધી શકે છે. બ્રહ્માંડમાં હજીય આ તારાઓ હોવાનું મનાય છે.
બ્લ્યૂ જાયન્ટ તારાઓ બ્રહ્માંડમાં સૌથી મોટા છે. સૂર્યથી ૧૦ થી ૧૦૦ ગણા મોટા આ તારાઓ સૂર્ય કરતાંય તેજસ્વી અને ગરમ છે. અત્યંત ગરમ હોવાથી તેમાંનો હાઈડ્રોજન ઝડપથી નાશ પામે છે.
ન્યૂટ્રોન સ્ટાર સુપરનોવામાંથી જન્મે છે અને ઘણા દળદાર હોય છે. કદમાં નાના પણ શક્તિશાળી રેડિયેશન પેદા કરે છે તેને પલ્સાર કહે છે. આ તારા બ્લેકહોલમાં નાશ પામે છે.

અદભૂત્ વનસ્પતિ વાંસ

* વાંસ વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ એક પ્રકારનું ઘાસ છે. તેની ૨૦૦ જાત જોવા મળે છે.
* યોગ્ય હવામાન અને વાતાવરણ હોય તો વાંસ એક કલાકમાં દોઢથી બે ઇંચ વધે છે.
* વાંસ વાતાવરણમાંથી બીજી વનસ્પતિ કરતાં ચાર ગણો કાર્બન ડાયોક્સાઇડ લઇને ૩૫ ટકા વધુ ઓક્સિજન છૂટો કરે છે.
* વાંસ ઘાસ હોવા છતાંય લાકડા જેટલો જ મજબૂત છે.
* સૂકા વાંસ ઉપર ભેજની સૌથી ઓછી અસર થાય છે. એટલે વહાણ અને તરાપામાં બનાવવામાં ઉપયોગી છે.
* પૃથ્વી પર ૬૦૦૦ જાતનું ઘાસ ઊગે છે. વાંસ એ સૌથી ઊંચું ઘાસ છે.
* વાંસ પોલી નળી જેવો હોવાથી વચ્ચે હવા રહેલ હોય છે. તેના કારણે વધુ વજન  ઊંચકી શકે છે.
* ચીન અને જાપાનમાં વાંસ પુષ્કળ થાય છે. વાંસની કૂણી કૂંપળો ત્યાં શાકની જેમ ખાવામાં વપરાય છે.
* વાંસ ઇમારતોમાં ઉપયોગી થવા ઉપરાંત ટોપલીથી માંડી ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે.
* વાંસના મૂળ સમાંતર એકબીજા સાથે જોડાયેલા હોય છે.
* કાગળ બનાવવા માટે  વાંસનો સૌથી વધુ ઉપયોગ થાય  છે.
* થોમસ આલ્વા એડિસને શોધેલા પ્રથમ વીજળીના ગોળામાં ફિલામેન્ટ તરીકે વાંસના રેસાનો જ ઉપયોગ કર્યો હતો.

પૃથ્વીપરનું છઠ્ઠું જીવજગત : વાઇરસ


પૃથ્વી પરના વનસ્પતિ, સસ્તન પ્રાણીઓ, બેક્ટેરીયા, પક્ષીઓ વિગેરે સજીવ  સૃષ્ટિને જીવશાસ્ત્રીઓએ પાંચ વિભાગમાં વહેંચી છે. પરંતુ પ્રાણીઓમાં ભયંકર રોગો ફેલાવતા વાઇરસને છઠ્ઠું જીવજગત કહેવાય છે.
વાઇરસના ચેપથી શરદીથી માંડી એઇડ્સ જેવા રોગો થાય  છે. ડોક્ટરો તેને વાઇરસ ઇન્ફેક્શન કહે છે. જુદા જુદા રોગો કરનારા વાઇરસના પ્રકાર પણ જુદા જુદા હોય છે. વાઇરસ હમેશા બીજા સજીવના શરીરમાં જ જીવી શકે છે. ખુલ્લા વાતાવરણ, પાણી કે હવામાં જીવી શકતા નથી.
વાઇરસ પણ બેક્ટેરિયાની જેમ સૂક્ષ્મ જીવ છે. તે નજરે દેખાતાં નથી. તેને બાહ્ય દીવાલ અને કેન્દ્રમાં ડીએનએ એમ બે ભાગ હોય છે. વાઇરસની દીવાલ મજબૂત પ્રોટિનની બનેલી હોય છે. તેને મારી શકાતા નથી. વાઇરસ કશું ખાતા નથી પરંતુ બીજા વાઇરસને જન્મ આપી વંશવેલો ચાલુ રાખવા અન્ય સજીવના શરીરમાં રહે છે. પ્રાણી કે માણસના શરીરમાં દાખલ થયેલા વાઇરસ પોતાનું ડીએનએ તેના લોહીમાં ભેળવે છે. લોહીમાં વાઇરસ ભળે એટલે લોહીના કોશો પોતાનું મૂળ કામ છોડીને બીજો વાઇરસ પેદા કરે છે અને આમ પ્રાણી કે માણસને બીમાર પાડે છે.

સૌથી શક્તિશાળી જીવ : કીડી

કીડી- મકોડા જેવા જંતુઓ આપણને દરરોજ જોવા મળે. આવા જંતુઓનું અવલોકન કરવાથી આપણને ઘણું જાણવા મળે. ચપટીમાં ચોળાઇ જાય તેવી કીડી એ જગતનો સૌથી શક્તિશાળી જીવ છે તે પોતાના શરીર કરતાં ૨૦ ગણું વજન સહેલાઇથી ઊંચકીને ચાલી શકે છે. કોઇ  પણ પ્રાણી પોતાના શરીર કરતા બમણાથી વધુ વજન ઊંચકી શકે નહીં. કીડી પર્યાવરણ માટે પણ જરૃરી અને ઉપયોગી જીવ છે. પૃથ્વી પર સૌથી વધુ જોવા મળતો જીવ કીડી છે અને તે પણ લગભગ ૧૪૦૦૦ જાતનો. મોટા ભાગની કીડી ૩થી ૪ મીલીમીટર લંબાઇની હોય છે.
કીડીનું શરીર ત્રણ ભાગમાં માથું, પેટ અને પેઢુમાં વહેંચાયેલું છે. કીડીના માથામાં ચટકી ભરવા માટે બે અંકોડાવાળુ જડબું અને આંખો હોય છે. કીડીની આંખ આપણને માંડ માંડ દેખાય તેવડી ઝીણી હોય છે. પરંતુ તેમાં ૧૦૦૦ લેન્સ હોય છે. તે નજીકની વસ્તુઓ સારી રીતે જોઇ શકે છે.
કીડીના માથામાં એન્ટેના જેવા બે વાળ હોય છે. આ વાળની મદદથી તે ગંધ, સ્પર્શ અને સ્વાદ પારખે છે. કીડીના બંને પડખે ત્રણ ત્રણ એમ છ પગ હોય છે. તેને પંજા પણ હોય છે પરંતુ આ બધું માઇક્રોસ્કોપ વડે જોઇ શકાય.
કીડી હોશિયાર, પરિશ્રમી અને શિસ્તબધ્ધ જીવ છેં તે કતારમાં જ ચાલે છે. કીડી જ્યાંથી પસાર થાય ત્યાં ખાસ પ્રકારની ગંધવાળો પાવડર છાંટતી જાય છે આ ગંધથી બીજી કીડીઓ તેની પાછળ જ ચાલે છે અને આ ગંધને પગલે વળતી વખતે પોતાનું ઘર શોધી લે છે.
કીડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં વિવિધ ખંડો અને રસ્તાઓ હોય છે. દરમાં એક રાણી કીડી હોય છે તે માત્ર ઇંડાં મૂકવાનું કામ કરે છે. બાકીની મજૂર કીડીઓ ખોરાક એકઠો કરવાનું કામ કરે છે.

વનસ્પતિજગતની અજાયબી

શહેર, ગામ, વનવગડા, બાગબગીચા વગેરે અનેક સ્થળે જાતજાતની વનસ્પતિ જોવા મળે છે. બધા જ ફૂલ છોડ, વૃક્ષો અને વેલાઓમાં કંઇકને કંઇક વિશેષતા હોય છે, જે નજીકથી અવલોકન કરીએ તો જ જાણવા મળે. પરંતુ કેટલીક વનસ્પતિની વિશેષતા તો ઊંડીને આંખે વળગે. આવી આશ્ચર્યજનક વનસ્પતિઓ ભાગ્યે જ જોવા મળે. જંગલોમાં અજાયબી અને કુદરતના ચમત્કાર ગણાય તેવી અસંખ્ય વનસ્પતિ છે. આપણે તેમાંની ત્રણનો પરિચય કરીએ.

એકહજાર વર્ષ જીવતો છોડ વેલ્વેશિયા ઃ નામિબિયા અને અંગોલાના રણમાં આ અજાયબી જેવો છોડ ઊગે છે. રણમાં તેને માંડ માંડ મળે છતાંય તે એક હજાર વર્ષ જીવે  છે. આ છોડને માત્ર બે પાન જ હોય છે અને પાન મોટાં થઇને અનેક ફાંટામાં વહેંચાઇને રેતીમાં વિખરાયેલા પડયા હોય છે. દૂરથી ઓક્ટોપસ જેવા દેખાય છે. આ પાનની છાયામાં અનેક જીવજંતુઓ આશ્રય મેળવે છે.  
* સંજીવની વનસ્પતિ પોલિમોડિયમ ઃ આફ્રિકાના જંગલમાં થતો પોલિયોડિયમનો છોડ સૂકાઇ ગયા પછી પણ પાણી છાંટવાથી સજીવન થઇ લીલો છમ્મ થઇ જાય છે. જમીનમાંથી ઉખડી ગયા બાદ પણ આ છોડના પાન હવામાંથી ભેજ શોષીને સચવી રાખે છે. તેના પર પાણી છાંટતા જ તે એકદમ ફેલાઇને લીલાંછમ પાન બને છે. આ છોડ ૪૦૦ વર્ષ સુધી જીવે છે.
* સૌથી વિરાટ કેકટસ સાગુઆરો ઃ રણપ્રદેશમાં થતા થોર કે કેકટસ તો તમે જોયા હશે જાડી છાલની કાંટાવાળી આ વનસ્પતિ અજાયબી છે. રણપ્રદેશમાં થતાં હોવાથી તેની છાલ અને પાનમાં પાણીનો સંગ્રહ થાય છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ અમેરિકન એરિઝોનામાં થતાં કેકટસ સાગુઆરો આપણા પાંચ માળના મકાન જેટલા ઊંચા હોય છે.  આ કેકટસનું પડ ૧૦ ફૂટનો પરિઘ ધરાવે છે. ઝીણાં ઝીણાં પાન અને પીળાં ફૂલવાળી જાડી ડાળીઓવાળા આ કેકટસ સુંદર દેખાય છે. કેકટસ ઉપર ભૂરા રંગના બોર જેવા ફળ પાકે છે. સાગુઆરોના જાડા પડમાં અનેક જીવજંતુઓ પોલાણ કરીને રહે છે.

પૃથ્વી પરથી નરી આંખે દેખાતો આપણો પાડોશી ગ્રહ : શુક્ર

સંધ્યા ટાણે ક્ષિતિજમાં દેખાતો તેજસ્વી શુક્ર તારો જાણીતો છે. આ શુક્ર તારો એટલે આપણો પાડોશી ગ્રહ શુક્ર. શુક્ર સુંદર તો છે જ પણ સૌંદર્યનો દેવ ગણાય છે. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડના સફેદ વાદળો સૂર્યપ્રકાશનું પુનરાવર્તન કરે છે એટલે તે તેજસ્વી દેખાય છે.
શુક્ર પૃથ્વીના કદનો છે. તેને પૃથ્વીની બહેન પણ કહે છે. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડના વાદળો છવાયેલા રહે છે એટલે તે સૂર્યની ગરમીનું વધુ શોષણ કરે છે. શુક્રની સપાટી ખૂબ જ ગરમ છે. ધાતુઓ પણ પીગળીને વહેવા માંડે.
શુક્રની સપાટી પર અનેક જ્વાળામુખી પર્વતો છે તેની ખીણોમાં ધગધગતો લાવારસ ખદબદતો હોય છે. શુક્ર પરના જ્વાળામુખીઓ એક સરખા ઉંધા વાડકા આકારના હોય છે.
મેગેલન નામના સેટેલાઇટ દ્વારા શુક્રની સપાટીની નજીકથી અભ્યાસ થયેલો. આસપાસ છવાયેલા વાદળોના કારણે શુક્રની સપાટી કદી દેખાતી નથી પરંતુ મેગેલનનાં રડાર પદ્ધતિથી તેની તસવીરો લેવાઈ હતી. આ તસવીરોમાં સપાટીનું રૌદ્ર સ્વરૃપ દેખાય છે તેમાં જ્વાળામુખીઓ અને ધગધગતા લાવાના ખાબોચિયા અને વ્હેલ દેખાય છે.
શુક્રનો વ્યાસ ૧૨૧૦૦ કિલોમીટર છે. તે આપણા ૨૨૫ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે. શુક્રને એક પણ ચંદ્ર નથી અને ચુંબકીય ક્ષેત્ર પણ નથી. શુક્ર પોતાની ધરી પર સૌથી ઓછી ઝડપે ફરે છે. આપણા ૨૪૩ દિવસ થાય ત્યારે શુક્રનો એક દિવસ થાય છે.

ટીવી વિગેરેના રિમોટ કેન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે?

     આપણા મોટા ભાગનાં ઈલેક્ટ્રિક સાધનો રિમોટ કન્ટ્રોલથી ચલાવી શકાય છે. ટીવીનું સંપૂર્ણ સંચાલન દૂર બેઠા બેઠા જ રિમોટ વડે થઈ શકે. પંખા કે એર કંડિશનનું સંચાલન પણ રિમોટ વડે થઈ શકે છે. રિમોટ આપણી શક્તિ અને સમય બચાવનું સાધન છે. તે કેવી રીતે કામ કરે છે તે જાણો છો?
રિમોટ કંટ્રોલ હાથમાં રાખી શકાય તેવું લંબચોરસ હળવું સાધન છે. તેની ઉપર અસંખ્ય બટન હોય છે. રિમોટની અંદર ઈલેક્ટ્રોનિક સર્કિટ હોય છે અને આગળના ભાગમાં સફેદ બલ્બ જેવો ગોળાકાર હોય છે. રિમોટ પાવર વડે ચાલે છે. રિમોટનું કોઈપણ દબાવીએ ત્યારે સર્કિટ ઉપરનો તે ભાગ સક્રીય થઈને આગળના બલ્બમાંથી ચોક્કસ માત્રાના કિરણો પ્રસારિત કરે છે. આ કિરણો સામે રહેલા ટીવીના સેન્સર ઉપર અથડાય છે. આ સેન્સર ટીવીને યોગ્ય સંકેત આપીને ફેરફાર કરે છે.
અગાઉ રિમોટ કન્ટ્રોલમાં અલ્ટ્રા સોનિક સાઉન્ડના મોજાં પેદા કરીને કામ થતું પરંતુ હવેના રિમોટ ઈન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરે છે. ઈન્ફ્રારેડ કિરણોને આપણે જોઈ શકતા નથી. દરેક બટન દબાવવાથી જુદી જુદી માત્રાના ઈન્ફ્રારેડ કિરણોના મોજાં ટીવી તરફ વહે છે અને ટીવીના સર્કિટમાં યોગ્ય ફેરફારો કરે છે. જુદા જુદા મોડેલના ટીવી કે દરેક સાધન માટે તેને જ સંચાલન કરતું અલગ રિમોટ જોઈએ છે.
આધુનિક યુનિવર્સલ રિમોટ કેન્ટ્રોલ એકસાથે ટીવી, પંખા, વીસીઆર વિગેરેનું સંચાલન કરી શકે છે.

બીજમાંથી છોડ કેવી રીતે બને છે?



    વનસ્પતિનો જન્મ બીજમાંથી થાય છે. દરેક ફળ કે શાકભાજીને કાપીને જુઓ તો અંદર નાનાં નાનાં બીજ જોવા મળે છે. મોટાભાગનાં ફળોમાં અસંખ્ય બીજ હોય છે તેને ઠળિયો પણ કહે છે. બીજ ઉપર સખત આવરણ હોય છે.બીજમાંથી વનસ્પતિનો છોડ પેદા કરવા માટે બીજને જમીનમાં દાટીને પાણી પાવું પડે. આપણી જરૃરી ખાદ્ય વનસ્પતિને આપણે જમીનમાં વાવીને પાક મેળવીએ છીએ પરંતુ જંગલમાં આડેધડ ઊગતી વનસ્પતિ ફળમાંથી નીકળતા બીજ ક્યારેક હવામાં ઊડીને, પાણીમાં તરીને  કે પ્રાણી- પક્ષીઓ દ્વારા દૂર સુધી પહોંચે છે. અસંખ્ય બીજમાંથી કેટલાંક બીજ આપમેળે જમીન પર પડે છે અને વરસાદ પડે ત્યારે તેમાંથી છોડ ઉત્પન્ન થાય છે.બીજ ઉપર સખત કવચ બનેલું હોય છે એટલે તે લાંબો સમય સચવાય છે. ઘણાં વૃક્ષોનાં બીજ તો પાંચ કે દશ વર્ષ પછી પણ જમીનમાં વાવો તો છોડ પેદા થાય છે. આટલું સખત કવચ તોડીને તેમાંથી અંકુર સખત  જમીન કે ખડકો વચ્ચે પણ જગ્યા કરીને જમીન પર કેવી રીતે બહાર આવીને મોટો છોડ બને છે તે કુદરતની કમાલ છે.બીજની અંદર ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. પાણી અને જમીનની ગરમીથી બીજ ઉપરનું આવરણ નરમ થઈ તૂટી જાય છે અને તેમાંના પ્રોટીનમાં રહેલા મૂળ જેવા તંતુઓ જમીનમાં ફેલાય છે. આ તંતુઓ દ્વારા પાણી અને ખોરાક મેળવી અંકુર મોટો થાય છે. લીલા રંગના અંકુર   જમીનની બહાર આવીને સૂર્યપ્રકાશમાં પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવામાં લાગી જાય છે અને છોડ તરીકે વિકાસ પામે છે.