Monday, May 2, 2016

વીજળીનો ભંડાર બેટરી અને પાવર સેલ

         મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિકરમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.

વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.

No comments:

Post a Comment