વિસ્મયજનક શોધ અને શોધકો

[1] જીન્સ
જેને વણેલું સાવ સુતરાઉ જેવું કાપડ કે એવી ચીજને ‘Jeans’ જીન્સ કહેવામાં આવે છે. ‘લેવી સ્ટ્રાઉસ’ મૂળ તો બવેરિયાનો પણ એ અમેરિકન વીઝા અને પાસપોર્ટ મેળવી અમેરિકામાં જઈ વસ્યો, પણ એ પોતાની સાથે આવા કપડાંની કેટલીક ગાંસડીઓ લઈ ગયેલો. આ ભાઈશ્રી લેવીનો એવો વિચાર હતો કે પોતે આ કાપડમાંથી તંબૂઓ કે રેલવેના વેગન્સને ઢાંકવા માટે શીટ્સ બનાવી કંઈક કમાણી કરશે, પરંતુ અમેરિકામાં દાખલ થયા પછી એને ખબર પડી કે, પોતાની અગાઉ જે લોકો આવી વસ્યા હતા તેઓ પણ આવો જ વિચાર લઈને આવ્યા હતા. ઈ.સ. 1850માં અમેરિકામાં આવેલા તમામ બેવેરિયન્સ આવા જ વિચારથી આવ્યા હતા.
પણ જેનું નસીબ કે કિસ્મત ખૂલી જવાનું હોય એના ભાગ્યની આડે હિમાલય હોય તો ય ખસી જાય છે ! ને ભાઈ, અલ્લામીયાં, જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ ! અમેરિકાની સોનાની ખાણોમાં કામ કરનારા કામદારોએ આ લેવીભાઈને ફરિયાદ કરી કે, તેઓ જ્યારે ખાણમાં કામ કરે છે ત્યારે એમના સામાન્ય ટ્રાઉઝર્સ-પાટલૂનો ઝડપથી ફાટી જાય છે. આથી લેવીભાઈએ ‘મૂક તંબૂને ઉપાડ પાટલૂન’ જેવો ન્યાય અપનાવ્યો. એણે પોતાની ગાંસડીઓ સાથે લાવેલ કાપડમાંથી ટ્રાઉઝર્સ બનાવ્યા અને જોયું કે, આવા પાટલૂનો ઘસાઈ જતા નથી. ચમત્કાર થયો ! લેવી-ભાઈના ટ્રાઉઝર્સ લોકપ્રિય બની ગયા. ત્યાર પછી સોનાની ખાણોના માલિકો લેવીભાઈના આ ‘Jeans’ને લુહાર પાસે લઈ ગયા અને લુહારોને આવા Jeans પર ધાતુકીય કીલકો જડી આપવાનું કહ્યું, કારણ કે, આવા ધાતુકીય બકલ્સ વગર ટ્રાઉઝર્સના ખીસ્સાઓ પૂરતા મજબૂત લાગતા ન હતા. લુહારોએ નમૂનાના બકલ્સ તૈયાર કરી આપ્યા. એ પછી આ પ્રેરણા, આ વિચારને મેના 1873માં રજિસ્ટર કરાવી એની પેટન્ટ મેળવાઈ જે આજે પણ ચાલુ જ છે.
[2] એસકૅલૅટર
Escalator – એસકૅલૅટર – ચાલતી સીડી. ‘ચાલતી સોપાન સીડી’નો આવિષ્કાર, 1892માં ન્યૂયૉર્કના જેસે રેનોએ મેળવ્યો હતો અને એનો પ્રથમ ઉપયોગ ‘કોની આઈલૅન્ડ’ – કોની ટાપુ પર, એક પોતઘાટ પર કરવામાં આવ્યો હતો. અમેરિકન નાગરિકોના મનોરંજન માટે 1896માં આ ચાલતી સીડી મૂકવામાં આવી હતી. એ એક વાહક પટ્ટો હતો, જે લાકડાની પટ્ટીઓનો બનેલો હતો. એને ‘Rano Inclind Elevator’ નામ આપવામાં આવ્યું હતું. એ પછી એક અન્ય અમેરિકન ‘ચાર્લ્સ વ્હીલર’ આ જ વરસે એસકૅલૅટરનો આવિષ્કાર મેળવ્યો, જેને સપાટ સોપાનો હતાં, આધુનિક છે બસ, એમ જ. ઈ.સ. 1898માં ચાર્લ્સ સીલર્ઝર દ્વારા એમાં સુધારાઓ કરવામાં આવ્યા કારણ કે વ્હીલરના મૂળભૂત એસકૅલૅટર કદાપી બંધાયા ન હતા અને પછી ઑટીસ ઈલીવેટર કંપનીની નજરે અચાનક આ એસકૅલૅટર પડ્યું અને એનો શક્ય તેટલો લાભ ઉઠાવવા 1899માં એનું ઉત્પાદન શરૂ કર્યું.
[3] ઈન્સ્ટન્ટ કૉફી
ઈન્સ્ટન્ટ કૉફી અર્થાત તત્કાળ તૈયાર થતી કૉફી. કોઈ જાણતું નથી કે કૉફીની શોધ કોણે કરી. કહેવાય છે કે એક ઈથોપિયન ભરવાડ એટલે કે બકરા-બકરી ચારનાર, જેનું નામ કાલ્ડી હતું; એણે આશરે ઈ.સ. 850માં કૉફી શોધી કાઢી હતી. આ ભરવાડે જોયું કે પોતાના બકરા-બકરી એક ચોક્કસ ઝાડીમાંથી જ્યારે અમુક સરસ ફળો-દાણાંઓ ખાય છે ત્યારે તાજા-માજા રહે છે. પછી 1840માં, કૉફીના સત્વમાંથી એનું પ્રવાહી સ્વરૂપ રજૂ થયું, પરંતુ પાવડરના રૂપમાં સર્વપ્રથમ કૉફી રજૂ કરી ‘સટોરી કાટો’એ, જે એક જાપાનીઝ રસાયણવિદ હતો. એણે 1901માં, અમેરિકામાં રહી કૉફીનો પાવડર બનાવી જનતાને ચરણે ધર્યો. એ પછીના પાંચ વરસે, વૉશિંગ્ટન નામના એક અમેરિકન રસાયણવિદે ‘Refined Soluble Coffee’ વિશુદ્ધ થયેલી, ઓગળી જતી કૉફી રજૂ કરી અને પ્રથમ વિશ્વ યુદ્ધમાં અમેરિકન લશ્કરી દળોએ આ કૉફીનો ઉપયોગ ખૂબ કર્યો.
આધુનિક, એક ક્ષણમાં જ તૈયાર થઈ જતી કૉફી, જો કે સ્વિટ્ઝરલૅન્ડની નેસલે (Nestle) કંપનીએ 1933માં રજૂ કરી અને એને ‘nescafe’ (નેસકૉફે) નામ આપ્યું, પરંતુ નેસલે કંપનીને આ વિચાર, આ યુક્તિ બતાવી હતી ‘બ્રાઝીલિયન ઈન્સ્ટિટૂટ ઑફ કૉફી’એ. આ ઈન્સ્ટીટ્યૂટે 1930માં કૉફીના બિયાંને ઓગળી જતા પાવડરના રૂપમાં ફેરવી નાખવાનું સૂચન નેસલેને કર્યું હતું. એને નેસલે કંપનીએ આ પ્રક્રિયાને પાર પાડવામાં આઠ વરસનો સમય લાગ્યો હતો.
[4] તાળું અને ચાવી
તાળું અને ચાવી – Lock and Key ! અરે ભાઈ ! માણસે ભૌતિક સંપત્તિ, જેમ કે, ઝવેરાત, સુવર્ણ, રજત જાળવવા, સાચવવા કંઈક તો ઉપાય શોધવો પડે ને ! અન્યથા ચોર લોકો પોતાની કલા બતાવી જાય ! તાળું અને ચાવી, આની શોધ હજારો વરસો પહેલાં ચીનમાં થઈ હતી અને ત્યાર પછી શતાબ્દી-શતાબ્દીએ એમાં ફેરફારો, સુધારા-વધારા થતા રહ્યા, પરંતુ જેને આધુનિક આવિષ્કૃત ચાવી અને તાળું કહીએ છીએ એનો આવિષ્કાર 1778માં જોસેફ બ્રાહ્મ નામના માણસે મેળવ્યો હતો. આ ભાઈએ છ સરકતી ધાતુકીય પ્લેટસ અને એમાં ખાંચાઓ સાથે તૈયાર કરી હતી કે જે એક ચોક્કસ સ્થિતિમાં ચાવી અંદર નાખ્યા પહેલાં તાળું કદાપી ખૂલી શકે નહીં. એ પછી 1818માં કબ્લ તાળું (Chubb lock) આવ્યું, જેનો આવિષ્કાર ચાર્લ્સ કબ્લ દ્વારા થયો હતો. આ ચાર્લ્સભાઈ એક લુહાર જેવો જ ધંધો કરતા હતા અને આ ચાર્લ્સભાઈએ જ પાછળથી fireproof તિજોરીઓ બનાવી હતી. આમાં એક વધારાનું લીવર અંદરની બાજુએ હતું. જો કોઈ તાળાં સાથે અટકચાળું કરવાનો પ્રયાસ કરે તો એક બોલ્ટ ચોંટી જતો હતો. સાચી ચાવી વગર આવું તાળું ખૂલી જ ન શકે.
મોટે ભાગે લોકો પોતાના આગળના દરવાજા પર રાખે છે એવા તાળાંઓ યાલે તાળાંઓ (Yale locks) તરીકે જાણીતા છે. આ આવિષ્કાર એક અમેરિકનનો હતો, નામ લીનસ યેલે. 1851માં એણે એક સપાટ ચાવીનો ઉપયોગ કર્યો કે જે બરાબર, યોગ્ય ચોકસાઈથી ખાંચાઓમાં, વિભિન્ન ખટકાઓ અંદરની બાજુએ ઉત્પન્ન કરી તાળાંને ખોલતી હતી. એ પછી બે તેજસ્વી વિચારધારાઓ આવી, જેમાં લાકડાંના દરવાજાની એક બાજુએ તાળું ફીટ કરવાને બદલે તાળું સીધું દરવાજામાંથી જ ફીટ થતું. આ વધુ અગત્યનું હતું જેમાં ખટકાઓમાં ખાંચાઓ વિભિન્ન આકારોમાં કપાયેલા રહેતા હતા. આથી એ શોધી કાઢવું જ અસંભવ હતું કે, બે યેલે તાળાઓ બરાબર એકબીજાને મળતા છે કે નહીં ? આમ થવાથી તમે સાચી ચાવી તમારા કબજામાં રાખી શકો કે જે દ્વારા જ ચોક્કસ તાળું ખૂલે, અન્યથા એ કદાપી ન ખૂલે.
[5] પેટ્રોલ પમ્પ
મોટરની સાથે પેટ્રોલ પમ્પને કોઈ નાત-જાતનો વહેવાર નથી હોં ભાઈ ! યુ.એસ.એના ઈન્ડિયાનાના એક ભાઈ સલ્યાનસ બોઉસેરે શોધી કાઢ્યું કે, કેરોસીનના બેરલ્સ કે જે જેક ગમ્ફરની દુકાનની નજીક ઊભા કરાયા છે એ પીપડાં લીક થવાથી જેકની દુકાનમાં રહેલ બટનમાં વાસ-સુવાસ કે દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આમ થવાથી બોઉસેરે એક પમ્પનો આવિષ્કાર મેળવ્યો અને કેરોસીનનું લીકેજ ટાળ્યું. આ કેરોસીન ત્યારે દીપક બાળવાના-સળગાવવાના કામમાં આવતું હતું. ભારતમાં જેમ ગામડાંઓમાં આજે પણ કેરોસીનના દીવાઓ અને ફાનસો જોવા મળે છે એમ જ. એ પછી આ ભાઈ 1885માં લીક પ્રૂફ ટાંકી લઈને આગળ આવ્યા. એક outlet pipe સાથે એક પીસ્ટન. આ પીસ્ટન જ્યારે પમ્પીંગ કરે ત્યારે ચોક્કસ રીતે એક જ ગેલન પ્રવાહી આપી શકે. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ ખાસ કરીને પેટ્રોલની સાથે તો 1905 પછી જ જોડાયો. બાઉસેરનો સર્વપ્રથમ પમ્પ પેટ્રોલ સાથે જોડાયો ત્યારે આ પમ્પ દ્વારા કેટલું પેટ્રોલ ચોક્કસ માપ પ્રમાણે જ બહાર કાઢવું એ કામની શરૂઆત 1925થી શરૂ થઈ. અને 1932માં, ચોક્કસ પેટ્રોલના આંકડાઓ અને પેટ્રોલનું ચોક્કસ મૂલ્ય બતાવવાની પદ્ધતિ દાખલ થઈ.
[6] ક્રોસવર્ડ-પઝલ
ક્રોસવર્ડ-પઝલ-Crossword Puzzle એટલે ઉલઝન-સમસ્યા.
આર્થર વાયને નામના એક ભાઈ ઈંગ્લૅન્ડના નગર લીવરપૂલમાં એક સન્નારીની કૂખેથી જન્મ પામ્યા હતા અને ‘ન્યૂયોર્ક વર્લ્ડ ન્યૂઝપેપર’ના ‘Tricks and Jokes’ વિભાગમાં ઈ.સ. 1913માં કામ કરી પેટીયું રળતા હતા. પરંતુ આર્થરભાઈની સ્મરણશક્તિ અસ્ત્રાની ધાર જેવી હતી. પોતે નાનો હતો ત્યારે પોતાના દાદા સાથે એ એક વિકટોરિયન જમાનાની રમત રમતો, આ રમતનું નામ ‘Magic Square’ અર્થાત ‘જાદુઈ ચોરસ’ હતું. આ રમતમાં ખાલી જગ્યામાં શબ્દો અને અક્ષરોનું ઉમેરણ કરવાની રમત બનતી હતી. એક દિવસ, એટલે કે 21મી ડિસેમ્બર, 1913 અને રવિવારના દિવસની ઉપર્યુક્ત અખબારની રવિવારની પૂર્તિમાં જગા વધી પડતી હતી અને આમેય આ છાપાંની રવિવારની પૂર્તિ નબળી ગણાતી હતી. અલબત્ત, અત્યારે પણ પ્રત્યેક છાપાંની રવિવારની પૂર્તિઓના આવા જ હાલહવાલ છે ! આ ખાલી જગ્યાનો ઉપયોગ કરવાનું આર્થરે વિચાર્યું. એણે પેલી magic square ના જેવી જ પ્રયુક્તિ લડાવવાનો વિચાર કર્યો, પરંતુ આર્થરભાઈ કરવા ગયા થૂલી અને થઈ ગયો કંસાર ! આર્થરે અખબારમાં જે આપ્યું એ કંઈક અવનવું જ, ઈદમ તૃતિયમ બની ગયું. એણે શબ્દોને શ્યામ જગાઓ વાપરી અલગ અલગ પાડ્યા અને પછી ઉકેલ માટેની એક યાદી મૂકી અને વિશ્વમાં સર્વપ્રથમ ‘ક્રોસવર્ડ-પઝલ’નો આવિષ્કાર થયો. નવરા નખ્ખોદ કાઢે નહીં એટલે આર્થરભાઈના આ આવિષ્કારનો ઉપયોગ હવે વિશ્વના તમામ છાપાંઓ કરે છે !
[7] બેટરી
બેટરી ન જોઈ હોય એવો એક પણ માણસ ગોતવો મુશ્કેલ છે. બાળક પણ બેટરી વિશે જાણે છે. ઈ.સ. 1780નું ઈસુનું વરસ અને રાષ્ટ્રનું નામ ઈટાલી. પ્રોફેસરનું નામ લુઈગી ગાલ્વાની. એમનો વ્યવસાય અને રસનો વિષય ઔષધશાસ્ત્ર. સ્થળ એમનું ઘર અને સાથીદાર હતી એમની પત્ની. પ્રોફેસર લુઈગીની પત્ની ડૉક્ટરો સર્જરી કરતી વખતે જે છૂરી વાપરે છે તેનાથી દેડકાંઓની ચામડી ઉતારી રહી હતી. ઘણાં બધાં દેડકાંઓ ડ્રાંઉ-ડ્રાંઉં કરતા હતા, પણ એ બધા દેડકાંઓ એક ઝીન્ક ધાતુની પ્લેટ પર હતાં. એમની પત્નીએ જ્યારે છૂરી હાથમાંથી મૂકી દીધી ત્યારે એ છૂરી દેડકાંના પગ પર પડી; એ જ સમયે દેડકાંએ બળપૂર્વક ઝાટકો ખાધો. એ પછી ઘણાં પ્રયોગોને અંતે ગાલ્વાનીએ નક્કી કર્યું કે પોતે દેડકાંના પગના સ્નાયુઓમાં રહેલી વિદ્યુતને શોધી કાઢી છે કારણ કે દેડકાંઓ જ્યારે કોઈ બે વિભિન્ન ધાતુઓને અડકે છે, એક જ સાથે બે વિભિન્ન ધાતુઓને અડે છે ત્યારે તેઓ હંમેશાં ઝાટકાઓ ખાય છે.
પરંતુ ઈ.સ. 1800માં એક અન્ય ઈટાલીયન નામે એલેસાન્ડ્રો વૉલ્ટાએ નક્કી કર્યું કે ગાલ્વાની ખોટો છે. એણે વિચાર્યું કે વિદ્યુત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે ધાતુઓ પરસ્પરને સ્પર્શે છે. વિદ્યુત તો ધાતુઓમાં પોતાનામાં જ હતી, નહીં કે દેડકાંના પગમાં. વૉલ્ટાએ ત્યાર પછી વિભિન્ન ધાતુઓનો ઉપયોગ કરી ઘણાં પ્રયોગો કર્યા અને અન્તતઃ આવિષ્કાર મેળવ્યો. કોપર (તાંબુ) અને ઝીંક (જસત)ના અંબારોની થાળીઓ (discs) સાથે કાર્ડબૉર્ડ (પૂંઠા)ની ગર્તિકાઓ આ બધાંને નમકના પાણીમાં ભીંજવી તેમને અલગ અલગ રાખી, એમની આર્દ્રતા-ભીનાશને જાળવી, એમની વચ્ચે સુયોગ્ય સંબંધ સ્થાપ્યો. કામ બની ગયું. વિશ્વની સૌથી પ્રથમ વિદ્યુત બેટરીનો આવિષ્કાર થયો. ઈ.સ. 1801માં ફ્રાન્સના મહાન નેપોલિયને વૉલ્ટાને આદર સાથે તેડાવ્યો કે જેથી વૉલ્ટા એની અનન્ય, સિમાચિહ્ન સમાન વિદ્યુત ઉત્પન્ન કરનારી પદ્ધતિનું પ્રદર્શન કરી શકે. કારણ કે એ દ્વારા બધાં સારી રીતે જાણી શકે કે ‘Voltaic Pile’ કોઈ પણ સ્થળે, કોઈ પણ માણસ ઉત્પન્ન કરી શકે અને જેથી વિશ્વમાં પ્રથમ વખત જ વિદ્યુતને કોઈ પણ માણસ ઊંચકીને લઈ જઈ શકે.

No comments:

Post a Comment